અરબ સાગરમાં ગુજરાત એટીએસ-કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, ૩,૦૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળએ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. ૨૫ સપ્ટેમ્બરે લક્ષદ્વીપની પશ્ચિમે મધ્ય સમુદ્રમાં શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી ૫૨૬ કિલો હાઈ-ગ્રેડ નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત ૩,૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ઓપરેશન દરમિયાન બોટમાં સવાર ૫ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસને દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થવાની બાતમી મળી હતી. માહિતી મળ્યા બાદ ભારતીય તટરક્ષક દળે અરબ સાગરમાં જહાજા તેમજ સર્વેલન્સ વિમાનોની મદદથી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.

સઘન સર્વેલન્સ દરમિયાન ૨૫ સપ્ટેમ્બરે અરબ સાગરમાં એક શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડી હતી. કોસ્ટ ગાર્ડના જહાજે બોટનો પીછો શરૂ કરી હોટ પર્સ્યુટ હાથ ધર્યું હતું. દરિયાની વચ્ચે બોટને ઘેરી લીધા બાદ કમાન્ડોએ બોટ પર ચઢીને તેની તલાશી લીધી હતી.

તપાસ દરમિયાન બોટમાંથી કોથળાઓમાં છુપાવેલો નશીલા પદાર્થોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમાં હાઈ-ગ્રેડ હેરોઇન અને મેથમફેટામાઇનનો સમાવેશ થતો હોવાનું જણાવા મળ્યું છે. કુલ ૫૨૬ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

ઓપરેશન દરમિયાન બોટમાં સવાર પાંચ પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા. ઈરાની બોટ, ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો અને આરોપીઓને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ લાવવામાં આવ્યા છે.

હાલ ગુજરાત એટીએસ, ભારતીય તટરક્ષક દળ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો સહિતની તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, ભારતમાં અથવા અન્ય દેશમાં કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ છે, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.આ કાર્યવાહી બાદ અરબ સાગરમાં સક્રિય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક અંગે વધુ મહત્વની વિગતો બહાર આવે તેવી શકયતા છે.