
સરકાર કે તંત્ર ગમે તેટલા દાવાઓ કરે પણ ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાથી જ અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં નશાખોરીની ગર્તામાં ધકેલાઈ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. વર્ષ ૨૦૨૬ના ફેબ્રુઆરીથી જુલાઈ સુધીના છ મહિના દરમિયાન જ અમદાવાદમાંથી ૨૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ, અફીણ અને ગાંજા પકડાયાં છે. તો ૧૧.૮૪ કરોડ રૂપિયાની કિંમતના દેશી-વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઉપરાંત ૧૮ લાખના નશીલા દ્રવ્યો પોલીસ તંત્રએ પકડી પાડયો છે. છ જ મહિનામાં અમદાવાદમાં ૩૮ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો પકડાયાં છે, તો નહીં પકડાયેલો જથ્થો કેટલો હશે? તેવી લોકચર્ચા વ્યાપક બની છે.
સલામત ગણાવાતું ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ ડ્રગ્સ માફિયાઓ અને બુટલેગરો માટે એપીસેન્ટર બની રહ્યું હોય તેમ દારૂ, ડ્રગ્સ અને નશીલા દ્રવ્યોનો કારોબાર કરનારાં બેફામ બન્યાં છે. વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રજૂ કરાયેલી વિગતોમાં રાજ્ય સરકાર અને તંત્રએ ફેબ્રુઆરીથી જુલાઈ, છ મહિના દરમિયાન અમદાવાદ શહેરમાંથી કુલુ ૩૮.૭૪ કરોડ રૂપિયાના નશીલા પદાર્થો પકડાયાનું જાહેર કર્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, ૧૧.૮૪ કરોડ રૂપિયાની કિંમતનો દેશી-વિદેશી દારૂ અને બિયર પકડાયાં છે. તો, ૨૬ કરોડ રૂપિયાની કિંમતના સિન્થેટીક ડ્રગ્સ, ગાંજા, ચરસ અને અફીણ જેવા નશીલા પદાર્થો પકડાયાં છે. દેશી-વિદેશી દારૂ કે બિયર કરતાં બમણાથી વધુ કિંમતના ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યો પકડાયાં છે તે બાબત ગંભીર છે.
સૌથી વધુ ડ્રગ્સ ઝડપાયા હોય તેવા પોલીસ સ્ટેશનઃ •નરોડાઃ ૧૪.૨૯ કરોડ રૂપિયા,•રામોલઃ ૮૮.૦૭ લાખ રૂપિયા,•વાસણાઃ ૫.૮૪ લાખ રૂપિયા,•ગોમતીપુરઃ ૪.૬૬ લાખ રૂપિયા,•નિકોલઃ ૩.૧૬ લાખ રૂપિયા
સત્તાવાર સરકારી આંકડા મુજબ, દારૂ કે નશીલા દ્રવ્યોનો વેપલો અટકાવવા અમદાવાદના છેવાડાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનોમાં મહત્તમ કામગીરી જણાઈ છે. સોલા, નરોડા, વાસણા, રખિયાલ સહિતના અડધો ડઝન પોલીસ સ્ટેશનોએ નોંધપાત્ર કામગીરી કરી હતી. તો, ક્રાઈમ બ્રાન્ચે છ મહિના દરમિયાન વિદેશી દારૂ, બિયર, ગાંજા, ડ્રગ્સ અને કફ સિરપનો સૌથી વધુ જથ્થો પકડયો છે. છ જ મહિનામાં ૩૮ કરોડ રૂપિયાના નશીલા દ્રવ્યો પકડાયાંનું જાહેર થયું છે, તો પોલીસ તંત્રની આંખમાં ધૂળ નાંખી શહેરમાં ઘુસાડી વેચી દેવાયેલા દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો કેટલા વધુ હશે તેવો સવાલ લોકજબાન ઉપર છે.
સૌથી વધુ વિદેશી દારૂ ઝડપાયો હોય તેવા પોલીસ સ્ટેશનઃ •નરોડાઃ ૧.૮૨ કરોડ રૂપિયા,•રામોલઃ ૧.૭૧ કરોડ રૂપિયા,•નિકોલઃ ૧.૪૬ કરોડ રૂપિયા,•નારોલઃ ૧.૩૫ કરોડ રૂપિયા,•પાલડીઃ ૮૪.૮૧ લાખ રૂપિયા,•સોલાઃ ૭૯.૮૫ લાખ રૂપિયા,•સરદારનગરઃ ૨૮.૯૧ લાખ રૂપિયા,•ઓઢવઃ ૨૧.૩૩ લાખ રૂપિયા,•ચાંદખેડાઃ ૧૫.૩૯ લાખ રૂપિયા,•એરપોર્ટઃ ૧૫.૧૮ લાખ રૂપિયા,•કાગડાપીઠઃ ૧૪.૬૯ લાખ રૂપિયા,•બોડકદેવઃ ૧૦.૮૧ લાખ રૂપિયા
એક અનુસાર, અમદાવાદમાં ૧૦ લાખ લોકો નિયમીતપણ દેશી-વિદેશી દારૂ, ચરસ, ગાંજા, ભાંગ કે સિન્થેટીક ડ્રગ્સ અથવા તો નશીલી પિડાશામક દવાનો નશો કરે છે. કરોડો રૂપિયાની કિંમતના નશીલા દ્રવ્યો પકડી તેની વિગતો જાહેર કરી સરકાર, પોલીસ તંત્ર વાહવાહી મેળવે છે. પણ, નશાની ગર્તામાં ધકેલાયેલા લોકોને પૂર્ણરૂપે મુક્ત કરવા કાર્યવાહી થતી હોવાની માત્ર વાતો કરાય છે.