
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક નાગરિકને અદાણી ગેસનું બિલ અપડેટ કરવાના નામે વોટ્સએપ પર ફ્રોડ મેસેજ મોકલી સાયબર ઠગોએ ૧૧.૫૮ લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી છે. ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપીને ઠગે દંપતીના મોબાઈલમાં ‘ગેસ બિલ અપડેટ’ નામે એક શંકાસ્પદ એપીકે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી.
ત્યારબાદ માત્ર ૧૦ રૂપિયાનું પેમેન્ટ કરાવવાના બહાને બંને ફોનનો રિમોટ એક્સેસ મેળવી ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટમાંથી બારોબાર ૧૧.૫૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવાયા હતા. આ અંગે પીડિતે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ૪૯ વર્ષીય જિગર મોદી સાથે આ સાયબર ફ્રોડ થયો છે. ગત છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તેમના વોટ્સએપ નંબર પર ‘અદાણી ગેસ લિમિટેડ’ના નામે એક મેસેજ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું પીએનજી ગેસ બિલ સિસ્ટમમાં અપડેટ થયું નથી. જો તાત્કાલિક બિલ ક્લિયર કરવામાં નહીં આવે, તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે.
મેસેજમાં દર્શાવેલા નંબર પર જિગરે સંપર્ક કરતા સામેથી વાત કરનાર અજાણ્યા ઠગે પોતાની ઓળખ રાકેશ મિશ્રા તરીકે આપી હતી. તેણે બિલ અપડેટ કરવાના નામે વોટ્સએપ પર એક એપીકે ફાઈલ મોકલીને તેને મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા કહ્યું હતું. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ, ઠગે એકાઉન્ટ વેરીફાય કરવાના બહાને માત્ર ૧૦ રૂપિયાનું ઓનલાઇન પેમેન્ટ કરવા જણાવ્યું હતું.
જિગરે તેના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની વિગતો દાખલ કરીને પેમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વારંવાર પેમેન્ટ એરર આવી રહી હતી. ત્યારબાદ ઠગે તેના મોબાઈલ નેટવર્કમાં ટેકનિકલ સમસ્યા હોવાનું કહીને જિગરના પત્નીનો નંબર મેળવ્યો હતો અને તેમના ફોનમાં પણ એ જ એપીકે ફાઈલ ઇન્સ્ટોલ કરાવી પેમેન્ટ કરવાનો પ્રયત્ન કરાવ્યો હતો.
સતત એરર આવતા અને શંકા જતાં જિગરભાઈએ ફોન કાપી નાખ્યો હતો. પરંતુ, આ નકલી એપીકે ફાઈલ દ્વારા સાયબર ઠગે બંને મોબાઈલ ફોનનો સંપૂર્ણ રિમોટ એક્સેસ મેળવી લીધો હતો. જે બાદ ઠગે જિગરભાઈના બેન્ક ખાતા તેમજ ક્રેડિટ કાર્ડમાંથી તબક્કાવાર કુલ ૧૧,૫૮,૪૪૨ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. નાણાં ઊપડી ગયાના મેસેજ આવતાં જ દંપતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તેમણે તુરંત સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.