અમદાવાદમાં વાયુ પ્રદૂષણનો વિકરાળ સ્વરૂપ,એકયુઆઇ ૨૫૦ને પાર, પીઓપીડી કેસોમાં ૩૦% વધારો

શીયાળાની ઠંડી સાથે અમદાવાદમાં વાયુ પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (એકયુઆઇ) ૨૦૦ને પાર પહોંચી ગયો છે, જેના કારણે નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. પોસ્ટ-કોરોના સમયગાળામાં આવા કેસોમાં લગભગ ૩૦% વધારો થયો છે.જેમાં વાયુ પ્રદૂષણ મુખ્ય કારણ તરીકે ઉભરી આવ્યું છે.ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અન્ય મોનિટરિંગ એજન્સીઓના તાજા ડેટા મુજબ, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં એકયુઆઇ ‘અનહેલ્ધી’ કેટેગરીમાં પહોંચી ગયો છે.

અમદાવાદના એકયુઆઇની વિગતો,

થલતેજ ૨૦૭ અનહેલ્ધી

શાંતિગ્રામ ૨૫૦ વેરી અનહેલ્ધી

શાહીબાગ ૧૬૫ અનહેલ્ધી

સોલા ૧૯૬ અનહેલ્ધી

બોપલ ૧૭૨ અનહેલ્ધી

સ્ટેડિયમ ૧૬૯ અનહેલ્ધી

ઉષ્માનપુરા ૧૭૩ અનહેલ્ધી

મણિનગર ૧૬૫ અનહેલ્ધી

કઠવાડા ૧૬૮ અનહેલ્ધી

રખિયાલ ૧૬૫ અનહેલ્ધી

ઘુમા ૧૬૭ અનહેલ્ધી

ઇસનપુર ૧૬૯ અનહેલ્ધી

વટવા ૧૭૦ અનહેલ્ધી

આ આંકડા દર્શાવે છે કે થલતેજ અને શાંતિગ્રામ જેવા વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ છે. શહેરનું એકંદર એકયુઆઇ ૧૬૩થી ૧૬૮ની વચ્ચે છે, જે સંવેદનશીલ વર્ગો માટે જોખમી છે.વાહનોના ધુમાડા, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ધુળના કારણે પીએમ ૨.૫ અને પીએમ ૧૦ જેવા પ્રદૂષકોનું પ્રમાણ વધી રહ્યું છે.

કોરોના મહામારી પછીના વર્ષોમાં ગુજરાતમાં સીઓપીડીના કેસોમાં ૩૦% વધારો નોંધાયો છે.અગાઉ આ રોગ ૬૦ વર્ષથી વધુ વયના લોકોમાં વધુ જોવા મળતો હતો, પરંતુ હવે ૪૦થી ૫૦ વર્ષના યુવાનોમાં પણ તેના લક્ષણો દેખાઈ રહ્યા છે. આમાં સતત ખાંસી, શ્ર્વાસ લેવામાં તકલીફ, છાતી જકડાઈ જવી અને થાક જેવા લક્ષણો સામેલ છે. ધુમ્રપાન ન કરનારા યુવાનોમાં પણ વાયુ પ્રદૂષણને કારણે આ રોગ વધી રહ્યો છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વિશ્ર્વમાં મૃત્યુના કારણોમાં સીઓપીડી હવે ત્રીજા ક્રમે આવી ગયો છે.જે અગાઉ ચોથા ક્રમે હતો. ભારતમાં ૩૦ વર્ષથી વધુ વયના લોકોમાં સીઓપીડીનું પ્રમાણ ૭% છે, અને વાયુ પ્રદૂષણ તેનું મુખ્ય કારણ છે. ગુજરાતમાં પણ શિયાળામાં એકયુઆઇમાં ઘટાડો થવાથી સીઓપીડી કેસોમાં ૧૦-૧૨% વધારો જોવા મળે છે. ઠંડી હવા પ્રદૂષકોને જમીનની નજીક રોકી રાખે છે, જેનાથી ધુળ, ધુમાડો અને વાહનોના એમિશન વધે છે. આ પ્રદૂષકો શ્ર્વાસનળીમાં બળતરા પેદા કરે છે, ફેફસાંની ક્ષમતા ઘટાડે છે અને અસ્થમા, બ્રોક્ધાઇટિસ જેવા રોગો વધારે છે.