
અમદાવાદ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું શિરમોર તંત્ર બની ગઈ હોવાના ગંભીર આક્ષેપ કોંગ્રેસ મીડિયા કન્વીનર મનીષ દોશીએ કર્યા છે. તેમણે જણાવ્યું કે શહેરમાં વિકાસ કાર્યો માટે મંજૂર થયેલો બે કરોડ રૂપિયાનો ખર્ચ વધારીને ૨૦ કરોડ સુધી પહોંચાડવામાં આવ્યો છે, જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દર્શાવે છે.
દોશીએ કહ્યું કે નળ, ગટર અને રસ્તા જેવી નાગરિકોની પ્રાથમિક સમસ્યાઓ આજે પણ યથાવત છે. બેઘર બનેલા લોકોને આવાસ કેમ આપવામાં આવ્યા નથી તેવો પ્રશ્ર્ન પણ તેમણે ઉઠાવ્યો. તેમણે ઉમેર્યું કે આરોગ્ય સેવાઓ અને સરકારી શાળાઓમાં ફંડનો યોગ્ય ઉપયોગ થઈ શક્તો હતો, પરંતુ નાગરિકોના ટેક્સના પૈસા ભ્રષ્ટાચાર માટે વપરાઈ રહ્યા છે. કોંગ્રેસે માંગ કરી છે કે ભ્રષ્ટાચારના આ કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.