એક પેડ માં કે નામ” અભિયાનને નવસારીથી નવી ગતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશવ્યાપી “એક પેડ માં કે નામ” અભિયાનને વધુ ગતિ આપવા માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૨ દિવસીય નવસારી પ્રવાસે પહોંચ્યા હતા.

પ્રવાસના પ્રથમ દિવસે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવાણી ગામે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આદિવાસી અને પર્વતીય વિસ્તાર તરીકે ઓળખાતા આછવાણી ગામની ગૌચર જમીન પર વિવિધ પ્રજાતિના કુલ ૧૦૧૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પવિત્ર વડના વૃક્ષનું રોપણ કર્યું હતું, જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બિલ્વપત્રનું રોપું વાવી હરિયાળા ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવ્યો હતો. કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલી નાયક સહિત અનેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ જાડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વૃક્ષોના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષ વાવવું પૂરતું નથી, પરંતુ તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું કે વાવેલા છોડની સંભાળ ન રાખવાથી તે સુકાઈ જાય તો તે એક પ્રકારની ગંભીર બેદરકારી સમાન છે. બદલાતા પર્યાવરણ અને ઘટતી વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વૃક્ષો વાવવાની તેમણે અપીલ કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોના કાળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સંપત્તિ કરતાં ઓક્સિજન વધુ મૂલ્યવાન છે અને આગામી પેઢીઓ માટે વૃક્ષારોપણ સૌથી મોટું રોકાણ સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનો હળવો અને રમૂજી અંદાજ પણ જાવા મળ્યો હતો. મીડિયા કર્મચારીઓ ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે તેમણે હસતાં કહ્યું કે, “તમે લોકો છોડ વાવો, અમે ફોટા પાડી લઈએ,” જેને સાંભળીને સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.

આ કાર્યક્રમની સૌથી સ્પર્શક ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રીની મુલાકાત પીપળખેડ ગામની વિદ્યાર્થીની જ્યોતિ ચૌધરી સાથે થઈ. જ્યોતિએ જણાવ્યું કે ૧૨મા ધોરણ બાદ પિતાના અવસાનને કારણે તે આગળ અભ્યાસ કરી શકી નહોતી. આ વાત સાંભળતા જ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સૂચના આપી તેની શિક્ષણયાત્રા ફરી શરૂ કરાવવા માટે જરૂરી મદદ કરવાની વ્યવસ્થા કરવા જણાવ્યું. મુખ્યમંત્રીની આ સંવેદનશીલ પહેલથી જ્યોતિ ભાવવિભોર બની ગઈ હતી અને તેની આંખોમાં ખુશીના આંસુઓ છલકાઈ ઊઠ્યા હતા.