
પર્યાવરણ અને જાહેરહિત કાર્યકર ચંદ્રવદન ધ્રુવે આ વર્ષે ૫ જૂનના ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિતે રાજ્યભરમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમો અને વિનામૂલ્યે રોપા વિતરણની વ્યવસ્થા અતિશય ગરમી તથા અધિક પુરૂષોત્તમ માસ અને ચોમાસું મોડું બેસવાની સંભાવનાને ધ્યાનમાં રાખી મુલતવી રાખવા ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતને રાજ્ય સરકારના વિવિધ સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળ્યો અને વિશ્વ પર્યાવરણ દિવસના વૃક્ષારોપણના કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે
ચંદ્રવદન ધ્રુવે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તા. ૨૦ મે, ૨૦૨૬ના રોજ રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વન અને પર્યાવરણ વિભાગના મંત્રીશ્રીઓને ઈ-મેઈલ મારફતે રજૂઆત કરી હતી કે જૂન માસ દરમિયાન અસહ્ય ગરમી અને પૂરતા વરસાદના અભાવે મોટા પ્રમાણમાં વાવવામાં આવતા રોપાઓ સુકાઈ જવાની શક્યતા રહેલી હોવાથી પ્રથમ અસરકારક વરસાદ બાદ જ વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.
આ રજૂઆતને રાજ્યપાલના કાર્યાલય, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી. રાજ્યપાલીના સચિવાલય દ્વારા તા. ૬ જૂન, ૨૦૨૬ના રોજ વન અને પર્યાવરણ વિભાગને યોગ્ય કાર્યવાહી કરવા માટે પત્ર પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય દ્વારા તા. ૨૫ મે, ૨૦૨૬ના રોજ સંબંધિત કચેરીઓને પત્ર લખી રજૂઆતમાં દર્શાવાયેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી સરકારની પ્રવર્તમાન નીતિ મુજબ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ચંદ્રવદન ધ્રુવના જણાવ્યા મુજબ આ વર્ષે ૫ જૂનના વિશ્વ પર્યાવરણ દિન નિમિતે રાજ્યભરમાં અગાઉના વર્ષોની સરખામણીએ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા. તેમના મતે પર્યાવરણની સુરક્ષા માટે માત્ર પ્રતીકાત્મક વૃક્ષારોપણ નહીં પરંતુ “જીવંત અને સફળ વૃક્ષારોપણ” વધુ મહત્વનું છે.
તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા નાગરિકોની પર્યાવરણલક્ષી અને જાહેરહિતની રજૂઆતને મહત્વ આપી ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે, જે આવકારદાયક અને પ્રશંસનીય છે. રાજ્ય સરકારનો આ અભિગમ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની સંવેદનશીલતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.