અમીરગઢ અને રાજસ્થાનમાંથી બાઈક ચોરી સાથે લૂંટ કરતી ગેંગ ઝડપાઈ, ઝડપાયેલા કુલ ૭માંથી ૩ કિશોર

અમીરગઢ પોલીસે લૂંટ અને વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપીને મોટી કાર્યવાહી કરી છે. છેલ્લા ઘણા સમયથી અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ગેંગે તરખાટ મચાવ્યો હતો. વાહન ચોરી કરી લોકોને ધમકાવીને લૂંટ આચરતા હતા, આ લૂંટારૂ ગેંગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે.

પકડાયેલ આંતરરાજ્ય ગેંગના શખ્સો પહેલા બાઈકની ચોરી કરતા અને ત્યાર બાદ લોકોને રસ્તામાં આંતરીને હથિયાર વડે ધમકાવી લૂંટ કરી ફરાર થઈ જતા હતા. ગેંગના શખ્સો બનાસકાંઠાના અમીરગઢ તેમજ રાજસ્થાનના સીરોહી જિલ્લાના રેવદર વિસ્તારમાં પણ વાહન ચોરી કરી લૂંટની ઘટનાને અંજામ આપતા હતાં.

અમીરગઢ પોલીસે વાહન ચોરી કરી લૂંટ આચરતા ગેંગના ૪ શખ્સો સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરોને પણ ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે, તેમને અમીરગઢ તેમજ રાજસ્થાનના સીરોહી જિલ્લાના રેવદર વિસ્તારમાં પણ બાઈકોની ચોરી કરી લૂંટ ચલાવી હોવાની કબુલાત કરી છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી ચોરી કરેલી ૬ મોટરસાયકલ, છરી, મોબાઈલ ફોન, બાઈકના લોક ખોલવા માટે ઉપયોગમાં લેવાતી માસ્ટર કી, સહિત કુલ ૨.૪૪ લાખનો મુદ્દામાને પણ જપ્ત કર્યો છે.

પકડાયેલા શખ્સોમાં જાયતા મેઘા ગમાર (સકરાવેરી અમીરગઢ), રાહુલ ફોજા બુબડીયા ( ઘાંઘુ અમીરગઢ) જયંતિ ભગા પસરા ( ઘાંટા અમીરગઢ) લાલા દેવા મોરી ( અજાપુરા મોટા) અને કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ બાળક કિશોરોને ઝડપી લીધા છે.

પોલીસે કહ્યું કે પકડાયેલા આ શખ્સો મોટરસાયકલ પર ફરતા અને એકલા મુસાફરી કરનારા વાહન ચાલકોને આંતરીને છરી જેવા હથિયારો બતાવી ધમકી આપી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરતા હતા, તેમજ માસ્ટર કીની મદદથી બાઈકો ચોરી કરી ફરાર થઈ જતા હતા. અમીરગઢ પોલીસે હાલ પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી તેમના ગુનાઓની ઊંડાણપૂર્વકની તપાસ આરંભી છે.