દાહોદ એપીએમસીની સામાન્ય ચુંટણી થયાને વર્ષ કરતા વધુ સમય વિતી જવા છતાં ભાજપના આંતરિક ડખાને કારણે ચેરમેન/વાઈસ ચેરમેનની ચુંટણી કરવામાં આવતી ન હતી. છેવટે આ ચુંટણી આગામી ૪ ડિસેમ્બરે યોજાવાનુ નકકી થતાં ગુલાબી ઠંડીમાં દાહોદના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
એક સમયે દાહોદ એપીએમસી ગુજરાતમાં બીજા નંબરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હતી. પરંતુ વિવિધ કારણોસર આ ક્રમ જળવાઈ રહ્યો નથી. બીજી તરફ આ એપીએમસી છેલ્લા કેટલાક વર્ષોથી રાજકિય અખાડો બની ગયો હોય તેમ લાગી રહ્યુ છે. તેમાંય સહકારી સંસ્થાઓમાં ભાજપે જયારથી મેન્ડેટ પ્રથા દાખલ કરી છે ત્યારથી ભાજપમાં જ જાણે ભવાઈ શ થઈ ગઈ હોય તેવી ધટનાઓ બની રહી છે. દાહોદ એપીએમસીની સામાન્ય ચુંટણી એટલે કે, ૧૦ ખેડુત અને ૪ વેપારી સભ્યોની ચુંટણી તા.૧૭ ઓકટો.૨૦૨૫ ના રોજ થઈ હતી. જેમાં ખેડુતમાં ભાજપના ૮ અને કોંગ્રેસના ૨ તેમજ વેપારી વિભાગમાં ૩ ભાજપના નેતા અને એક અપક્ષ સભ્ય વિજેતા થયા હતા. ત્યારબાદ ખાસ કરીને ચેરમેન પદ માટે ખેંચતાણ થતાં ચેરમેન/વાઈસ ચેરમેનની ચુંટણી ૪ જુન-૨૦૨૬ ના રોજ યોજાઈ હતી. પરંતુ તેમાં ચેરમેન પદ માટે ગોવિંદભાઈ બાકલીયાનુ નામ આવતા અન્ય સભ્યોમાં રોષ ફાટી નીકળ્યો હતો. અને છેવટે કોઈપણ સભ્યોએ ઉમદવારી ન નોંધાવી એક પ્રકારે ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. આશ્ર્ચર્યની બાબત એ હતી કે, ગોવિંદભાઈ બાકલીયાએ પણ ઉમેદવારી પત્ર ભર્યુ ન હતુ. આ ધટનાને ૫ મહિના વિતી ગયા હોવા છતાં ભાજપમાં જ જુથબંધીને કારણે કોઈ નામ નકકી ન થતાં ચુંટણી લંબાવાતી હતી. પરંતુ હવે ભાજપના સભ્યોમાં જ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પારખી જતા છેવટે આગામી તા.૪ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ કલાકે દાહોદ એપીએમસીમાં ચેરમેન/વાઈસ ચેરમેનની ચુંટણી યોજાવવાની જાહેરાત કરાઈ છે. ચેરમેન પદ માટે એક સમયે નિકુંજ મેડાનુ નામ નિશ્ર્ચિત મનાતુ હતુ. પરંતુ મોવડીઓએ તેમને વાઈસ ચેરમેન પદની ઓફર કરી હતી પરંતુ તેનો અસ્વિકાર કરી ચુંટણીનો બહિષ્કાર કર્યો હતો. હવે ભાજપ મેન્ડેટ બદલશે કે પછી દાહોદ એપીએમસીમાં પણ સોૈરાષ્ટ્ર વાળી થશે…?તે ચુંટણીના દિવસે જાણી શકાશે.