ગોધરા શહેરમાં કારની વિમા પોલીસી રિન્યુ કરી આપવાના બહાને એડિટીંગ અને મોર્ફિંગ દ્વારા બોગસ પોલીસી બનાવી વિશ્ર્વાસધાત કરવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે ખાનગી વિમા કંપનીના મેનેજરે ગોધરા શહેર એ-ડીવીઝન પોલીસ મથકે બિહારના એક શખ્સ વિરુદ્ધ ગુનાહિત વિશ્ર્વાસધાત અને ખોટા દસ્તાવેજો બનાવવાની ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદના ઠકકરનગર ખાતે રહેતા અને એસ.જી.હાઈવે સ્થિત આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ વિમા કંપનીમા નોકરી કરતા સંદિપકુમાર રામલુભાઈ ચિટપોલએ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો મુજબ વર્ષ-૨૦૨૨માં નોંધાયેલા એક અકસ્માતમાં ગુનાની પોલીસ તપાસ દરમિયાન સંડોવાયેલ કારના માલિક મનહરભાઈ સોમાભાઈ પટેલે પોતાની કારની વિમા પોલીસી રજુ કરી હતી. મોટર એક્સિડન્ટ કલેઈમ ટ્રિબ્યુનલની દાવા અરજીની કાર્યવાહી દરમિયાન વિમા કંપનીએ આ પોલીસીની ખરાઈ કરી હતી. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી કે, રજુ કરાયેલી પોલીસી ખરેખર દિલ્હીના લોકેશ વાહી નામના વ્યક્તિની કારની હતી. વધુ તપાસમાં જણાયુ કે, બિહારના પટના ખાતે રહેતા આરોપી વિનોદસિંગ રામબચનસીંગે કાર માલિક મનહરભાઈ પટેલને વિમા પોલીસી રિન્યુ કરી આપવાનુ કહ્યુ હતુ. ત્યારબાદ આરોપીએ મુળ પોલીસીમાં કોઈપણ રીતે એડિટીંગ અને મોર્ફિંગ કરીને ખોટી વિમા પોલીસી તૈયાર કરી હતી. અને વોટ્સએપ મારફતે મનહરભાઈને માોકલી આપી ગુનાહિત વિશ્ર્વાસધાત કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગોધરાની એસ.આઈ.ટી.દ્વારા અરજીની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ગુનાહિત કૃત્ય જણાઈ આવતા વિમા કં૫નીના મેનેજરે જરી દસ્તાવેજો સાથે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.