
શહેરના નરોડા વિસ્તારમાં દારૂની મહેફિલ બાદ મિત્રોએ જ મિત્રની ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નરોડાના આંબેડકર નગર પાસે સંવિધાન સર્કલ બહાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફૂટપાથ પરથી ચાર દિવસ પહેલાં વહેલી સવારે લોહીલુહાણ હાલતમાં મળી આવેલી જતીન સોલંકીની લાશના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે દારૂની પાર્ટી બાદ નશામાં થયેલા ઉગ્ર ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને જતીનને લાકડાના ધોકા તથા લોખંડની પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ચાર દિવસ પહેલાં વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાના અરસામાં સ્થાનિક રહીશોને અમદાવાદના નરોડા વિસ્તારમાં ફૂટપાથ પર એક યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ જતીન સોલંકી તરીકે થઈ હતી. પરિવારજનોએ પણ મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારબાદ પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના ભાઈ ભાવેશ સોલંકીની ફરિયાદના આધારે નરોડા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
હત્યાના ભેદ ઉકેલવા નરોડા પોલીસ અને ઝોન-૪ ન્ઝ્રમ્ની ટીમો તપાસમાં જાડાઈ હતી. અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધર્યા બાદ પોલીસને મહત્વની કડીઓ મળી હતી. જેના આધારે પોલીસે મયંક અરવિંદભાઈ સોલંકી, રોહન દિનેશભાઈ સોલંકી અને રશ્મીકાંત ઉર્ફે જેણીયો મહેન્દ્રભાઈ મકવાણાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નરોડા વિસ્તારના ચારથી પાંચ શખ્સોએ ઘટનાની રાત્રે સાથે મળીને દારૂની મહેફિલ માણી હતી. દારૂના નશામાં તમામ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જાતજાતામાં ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને આરોપીઓએ જતીન સોલંકી પર લાકડાના ધોકા તથા લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતાં જતીનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ અલગ-અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. જોકે હાલ પોલીસે આ આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમની ધરપકડ બાદ વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી બૂટલેગર હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે હાલ આ મામલે નરોડા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હત્યા પાછળના ચોક્કસ કારણો સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.