
બોડેલી તાલુકામાં દીપડાની દહેશત યથાવત છે. મુલધર જૂથ ગ્રામ પંચાયતના ટોકરવા ગામે મધરાતે ઘરઆંગણે બાંધેલી વાછરડી પર દીપડાએ હુમલો કર્યો. વાછરડી ઈજાગ્રસ્ત થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
ટોકરવા ગામના બળેવ ફળિયામાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે પશુપાલક રસિકભાઈ દુટાભાઈ રાઠવાની વાછરડી ઘર બહાર બાંધેલી હતી. આ દરમિયાન શિકારની શોધમાં આવેલા દીપડાએ વાછરડી પર હુમલો કર્યો. જોકે, પશુપાલક સમયસર જાગી ગયા. તેમણે બૂમાબૂમ કરી. તેથી દીપડો વાછરડીને ઈજાગ્રસ્ત કરી ત્યાંથી ભાગી ગયો.
ઘરઆંગણે બાંધેલા પાલતુ પશુ પર દીપડાના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ટોકરવાના જાગૃત નાગરિક રામસિંગભાઈ રાઠવાએ બનાવ અંગે બોડેલી વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે જરી કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત વાછરડીને પશુચિકિત્સક દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડા દેખાવાની અને પશુઓ પર હુમલાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે.
જંગલ વિસ્તારમાંથી દીપડાઓ શિકારની શોધમાં માનવ વસાહતો તરફ આવી ચડતા હોવાની આશંકા છે. આથી વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરાં ગોઠવવામાં આવ્યાં છે. બોડેલી નજીકના ટોકરવા-કકરોલિયા વિસ્તારમાં પણ દીપડાને પકડવા પાંજં મૂકવામાં આવ્યું છે. ગ્રામજનો વન વિભાગ પાસે વધુ તકેદારી રાખવાની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.