
શહેરા-ગોધરા હાઇવે માર્ગ પર આવેલ ટીંબા પાટીયા ચોકડી નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કોઠંબાથી ગોધરા તરફ જઈ રહેલી એક ઇકો કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં કાર રોડ પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ૬ થી ૭ જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
મહીસાગર જીલ્લાના કોઠંબા ગામેથી સાત જેટલા વ્યક્તિઓ પોતાની ઇકો કાર લઈને અંગત કામ અર્થે ગોધરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શહેરા-ગોધરા હાઇવે પર આવેલ ટીંબા પાટીયા ચોકડી પાસેથી પસાર થતી વખતે ચાલકે અચાનક ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી ઇકો કાર બેકાબૂ બનીને રોડની એક તરફથી બીજી તરફ જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો સર્જાયો હતો કે કારમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માતની જાણ આસપાસના સ્થાનિક લોકો તેમજ હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકોને થતાં જ મોટી સંખ્યામાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટના અંગે તાત્કાલિક ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા સમયસર ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ૧૦૮ ની ટીમે પ્રાથમિક સારવાર આપી તમામ ૬ થી ૭ ઈજાગ્રસ્તોને તાત્કાલિક શહેરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ ગંભીર ઈજાગ્રસ્તોને વધુ સઘન સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.હાઇવે પર અકસ્માત થતાં જ થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ઘટના અંગે શહેરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રોડ સાઇડ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને બનાવ સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
