કાલોલની હાઉસિંગ સોસાયટીના ગરબામાં આઠમે ભારે ભીડ : સાંસદ સહિત અગ્રણીઓ ગરબે ઘૂમ્યા

આસો નવરાત્રિના પવિત્ર આઠમના નોરતે કાલોલની હાઉસિંગ સોસાયટી સ્થિત સુવર્ણ હોલ ખાતે આયોજીત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ અને દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. મહાઅષ્ટમીના પાવન અવસરે માતાજીના ભક્તિભાવપૂર્વક ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ પ્રસંગે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, કાલોલ શહેર પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, પાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, યુવા મોરચા પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજય રાઠોડ,ડો. સુનિલ પરમાર તેમજ એપીએમસી ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ સહિતના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી.

આઠમના નોરતે યોજાયેલા આ ગરબા મહોત્સવમાં સાંસદ સહિત તમામ રાજકીય અને સામાજીક આગેવાનોએ ખેલૈયાઓ સાથે તાલ મિલાવીને ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. સુવર્ણ હોલ ખાતે ખેલૈયાઓના ઉત્સાહ અને ભક્તિમય માહોલને કારણે નવરાત્રિનો રંગ બરાબર જામ્યો હતો.