દાહોદમાં દેવગઢ બારીયા સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક રૂ.40 હજારની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સ્થિત જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-1) ડો. રહીમભાઈ ઈબ્રાહમભાઈ મેમણ રૂ.40 હજારની લાંચ લેતા ગાંધીનગર ACBના છટકામાં રંગેહાથ ઝડપાયા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, હોસ્પિટલમાં ડિસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (DRP) અંતર્ગત કુલ 8 સહવિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આક્ષેપ મુજબ, વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા બદલ એક વિદ્યાર્થી દીઠ રૂ.5 હજાર લેખે કુલ રૂ.40 હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છુક ન હોવાથી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી તબીબી અધિક્ષકે ફરિયાદી પાસેથી રૂ.40 હજારની લાંચની રકમ સ્વીકારતાં ACBની ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે ACB દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.