
ગોધરા તાલુકાના સરસાવ ગામે આઈસીડીએસ શાખા દ્વારા બાળકો અને મહિલાઓમાં પોષણ તથા શિક્ષણ અંગે જાગૃતિ લાવવા આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો હતો. જીલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન બારીઆ અને અધિકારીઓની હાજરીમાં યોજાયેલા આ પ્રસંગે બાળકોએ આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, તેમજ પ્રોત્સાહક ઇનામો, રમકડાં અને પૂરક અન્નનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગોધરા તાલુકા પંચાયત કચેરી અંતર્ગત કાર્યરત આઈસીડીએસ શાખાના ઘટક-૨ હેઠળ આવતા મીરપ સેજાના સરસાવ ગામે ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ કક્ષાએ બાળકો અને મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ પોષણ અને શિક્ષણ અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સરસાવ ગામના આંગણવાડીના નાના-નાના બાળકો દ્વારા અત્યંત સુંદર અને આકર્ષક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોની પ્રતિભા અને રજૂઆત જોઈને ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા અને તાળીઓના ગડગડાટથી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે જીલ્લા પંચાયત સદસ્ય ગોલ્લાવ દક્ષાબેન અલ્પેશભાઈ બારીઆ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત સદસ્ય તેમજ આઈસીડીએસ વિભાગના સીડીપીઓ કોમલ રબારી અને સરસાવ ગામના અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, બાળકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ દ્વારા આંગણવાડી કેન્દ્રની કામગીરી અને સેવાઓની પ્રશંસા કરવામાં આવી હતી તથા ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોત્સાહક ઇનામોનું વિતરણ , શૈક્ષણિક રમકડા અને પૂરક અન્ન વિતરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સફળ રીતે સંપન્ન થયો હતો.