કાલુપુરમાં ૩૦ ફટાકડાની દુકાનો સીલ, પરવાનગીના પુરાવા ન આપે ત્યાં સુધી નહીં ખૂલે

દિવાળીના તહેવાર પહેલાં અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફના વિસ્તારમાં આવેલી અંદાજે ૩૦ ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનદારોને નોટિસ આપીને ફટાકડાના વેચાણ માટે જરૂરી પરવાનગીઓ અને દસ્તાવેજા રજૂ કરવા જણાવાયું છે. જ્યાં સુધી જરૂરી પુરાવા રજૂ નહીં કરવામાં આવે ત્યાં સુધી સીલ કરાયેલી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

કાલુપુર વિસ્તારમાં ફટાકડાની દુકાનો અંગે ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટના જણાવ્યા અનુસાર, કાલુપુર દરવાજાથી કાલુપુર ટાવર તરફ આવેલી ફટાકડાની દુકાનો અંગે ફરિયાદ મળી હતી. ત્યારબાદ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે સ્થળ પર જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન અંદાજે ૩૦ ફટાકડાની દુકાનોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા દુકાનદારો પાસેથી ફટાકડાના વેચાણ માટે જરૂરી દસ્તાવેજા અને મંજૂરીઓ અંગે માહિતી માગવામાં આવી હતી.

આ દરમિયાન બીયુ પરમિશન, ફાયર એનઓસી, એક્સપ્લોઝિવ સર્ટિફિકેટ અને પોલીસ પરવાનગી સહિતના દસ્તાવેજા રજૂ કરવા જણાવાયું હતું. પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોવાનું જણાતા એસ્ટેટ વિભાગ દ્વારા અંદાજે ૩૦ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા તમામ સંબંધિત દુકાનદારોને નોટિસ આપવામાં આવી છે. નોટિસ મળ્યાના ત્રણ દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. દુકાનદારોને પોતાની દુકાન માટે જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓના પુરાવા રજૂ કરવાના રહેશે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજા રજૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી દુકાનો સીલ રહેશે.

કાલુપુર વિસ્તાર અમદાવાદના વ્યસ્ત બજાર વિસ્તારોમાં આવે છે. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. આ વિસ્તારમાં ફટાકડાની દુકાનો આવેલી હોવાથી જરૂરી સુરક્ષા મંજૂરીઓ અને નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી છે. ખાસ કરીને ફટાકડાના વેચાણ સાથે આગ અને વિસ્ફોટ સંબંધિત જાખમ હોવાથી ફાયર વિભાગ, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોની મંજૂરી મહત્વપૂર્ણ બને છે.કાલુપુર પોલીસ સ્ટેશનથી આશરે ૫૦૦ મીટરના અંતરે આ ફટાકડાની દુકાનો આવેલી હોવાનું સામે આવ્યું છે. જોકે, સંબંધિત દુકાનદારોને પોલીસ તરફથી વેચાણની પરવાનગી આપવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી.