ગુજરાત પોલીસમાં ૬ અધિકારીઓને બઢતી, ૫ અધિકારીઓને એસપી કક્ષાએ અપગ્રેડ કરાયા

ગુજરાત પોલીસ વિભાગમાં ૬ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય મુજબ અધિકારીઓને પે મેટ્રિકસ સ્તર ૧૦માંથી સ્તર-૧૧માં અપગ્રેડ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે બઢતી બાદ અધિકારીઓની હાલની જગ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેઓ વર્તમાન પોસ્ટીંગ પર જ ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવશે. આ બઢતીમાં એમ.એસ. શેખનો પણ સમાવેશ થાય છે, જેઓ અગાઉ રાજકોટ શહેરમાં મદદનીશ પોલીસ કમિશનર (ટ્રાફિક) તરીકે ફરજ બજાવતા હતા અને હવે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક), સુરત શહેર તરીકે અપગ્રેડ થયા છે.

આ ઉપરાંત રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૨૦, વિરમગામમાં મદદનીશ સેનાપતિ તરીકે ફરજ બજાવતા બી.આર. શેઢાને સેનાપતિ તરીકે બઢતી આપવામાં આવી છે.સીઆઇડી સુરત રેન્જમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા વી.એસ. મોરીને પોલીસ અધિક્ષક, સીઆઇડી સુરત રેન્જ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે. જ્યારે વલસાડના વિભાગીય પોલીસ અધિકારી એ.કે. વર્માને પોલીસ અધિક્ષક, વલસાડ વિભાગ તરીકે બઢતી મળી છે.

ગાંધીનગર સ્થિત ડીજીપી કચેરીના સીઆઇડી/સી.આઈ.ડી. સેલમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ટી.પી. ચુડાસમાને પોલીસ અધિક્ષક તરીકે બઢતી આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) તરીકે ફરજ બજાવતા વી.એન. પટેલને નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ), અમદાવાદ શહેર તરીકે અપગ્રેડ કરવામાં આવ્યા છે. આમ, રાજ્ય પોલીસ સેવાના કુલ ૬ અધિકારીઓને બઢતી આપીને સ્તર-૧૧ના પગારધોરણમાં મૂકવામાં આવ્યા છે.