
ઇન્ટરનેશનલ લીગ ટી ૨૦ (આઇએલટી૨૦) ની પાંચમી સીઝન માટે હરાજીમાં વિશ્વભરના ઘણા મોટા ક્રિકેટ સ્ટાર્સ ભાગ લેવાના છે. ટુર્નામેન્ટની હરાજી માટે પાકિસ્તાનના બાબર આઝમ, ઇંગ્લેન્ડના ફિલ સોલ્ટ અને અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુરબાઝ સહિત ૨૦૦ ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. ખેલાડીઓની હરાજી ૧ ઓક્ટોબરે દુબઈમાં આઇસીસી એકેડેમી ઇન્ડોર ખાતે થશે, જ્યાં બધી છ ફ્રેન્ચાઇઝી તેમની ટીમોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે.
આઇએલટી ૨૦ ની પાંચમી સીઝન ૨૧ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર દરમિયાન યુએઈમાં રમાશે. હરાજીમાં ૨૩ દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ૧૧ આઇસીસી પૂર્ણ સભ્ય દેશો તેમજ કુવૈત અને સાઉદી અરેબિયાના ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત તરફથી હરાજીમાં ફક્ત મુરુગન અશ્વિને જ પોતાનું નામ નોંધાવ્યું છે. તે હરાજીમાં ભાગ લેનાર એકમાત્ર ભારતીય છે, કારણ કે વર્તમાન ભારતીય ખેલાડીઓને વિદેશી ટી ૨૦ લીગમાં રમવાની મંજૂરી નથી.
હરાજીમાં કુલ ૧૭ પાકિસ્તાની ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. બાબર આઝમ ઉપરાંત, ફખર ઝમાન, નસીમ શાહ, ઉસ્માન તારિક, હસન અલી, શાદાબ ખાન, હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, સૈમ અયુબ, ખુશદિલ શાહ, માઝ સદકત અને સાહિબઝાદા ફરહાન જેવા ખેલાડીઓ પણ બોલી લગાવવા માટે ઉપલબ્ધ રહેશે. ખેલાડીઓને તેમની બેઝ પ્રાઈસના આધારે ત્રણ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આમાં યુએસ ૮૦,૦૦૦, યુએસ ૪૦,૦૦૦ અને યુએસ ૧૦,૦૦૦નો બેઝ પ્રાઈસ શામેલ છે.
બાબર આઝમ, ફિલ સોલ્ટ, ટોમ બેન્ટન, ડેવિડ વિલી, ફખર ઝમાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ઉસ્માન તારિક, જાની બેયરસ્ટો, મોઈન અલી, લિયામ લિવિંગસ્ટોન, અલઝારી જોસેફ, વાનિન્દુ હસરંગા, ફાફ ડુ પ્લેસિસ, તસ્કિન અહેમદ, એલેક્સ હેલ્સ, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન, ફઝલહક ફારૂકી, ક્રિસ વોક્સ અને દાસુન શનાકાને ઇં૮૦,૦૦૦ ની સૌથી વધુ બેઝ પ્રાઈસ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, જાદેન સીલ્સ, ઇબ્રાહિમ ઝદરાન, શાદાબ ખાન, તબરેઝ શમસી, અવિષ્કા ફર્નાન્ડો, હસન નવાઝ, શોરીફુલ ઇસ્લામ, મુઆઝ સદકત, કુસલ પરેરા, ગુલબદીન નાયબ, ક્રિસ ગ્રીન, આન્દ્રે ફ્લેચર અને હુનૈન શાહ જેવા ખેલાડીઓ પણ હરાજીમાં પોતાનું નસીબ અજમાવશે.
દરેક ફ્રેન્ચાઇઝી પાસે યુએસ ૧.૩ મિલિયનનું પર્સ હશે. વધુમાં, ટીમો હરાજી પહેલાના કરાર માટે ફાળવવામાં આવેલા ૭૦૦,૦૦૦માંથી બાકીની રકમનો ઉપયોગ કરી શકે છે. એમઆઇ અમીરાત પાસે સૌથી મોટું પર્સ હશે, જેમાં કુલ ૧.૩૯ મિલિયન ઉપલબ્ધ હશે. અબુ ધાબી નાઈટ રાઇડર્સ પાસે ૧.૩૬૫ મિલિયન હશે. ડેઝર્ટ વાઇપર્સ અને ગલ્ફ જાયન્ટ્સ પાસે દરેક ૧.૩૫ મિલિયનનું પર્સ હશે. દરમિયાન, દુબઈ કેપિટલ્સ અને શારજાહ વોરિયર્સે પહેલાથી જ હરાજી પહેલાના કરાર માટે ઉપલબ્ધ ૭૦૦,૦૦૦ ખર્ચ કરી દીધા છે. તેથી, બંને ફ્રેન્ચાઇઝી ૧.૩ મિલિયનના પર્સ સાથે હરાજીમાં પ્રવેશ કરશે.
ફ્રેન્ચાઇઝીઓને યુએના કોઈપણ ખેલાડી માટે રાઇટ ટુ મેચ વિકલ્પનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ વિકલ્પ યુએઈ ના એવા ખેલાડી પર પણ લાગુ કરી શકાય છે જે સિઝન ૪ માં સંબંધિત ફ્રેન્ચાઇઝી માટે રમ્યો હોય અથવા તાજેતરમાં પૂર્ણ થયેલી આઇએલટી ૨૦ ડેવલપમેન્ટ ટુર્નામેન્ટમાં તે જ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હોય.