
શહેરામાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તાલુકાના ૧૦ પ્રાથમિક અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના દર્દીઓ અને સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ કરાઈ.
શહેરા તાલુકામાં ભાજપ દ્વારા અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે માનવસેવાના ઉત્તમ ઉદાહરણપ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને સુપોષિત માતા – સુપોષિત બાળકના ભગીરથ સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્યથી તાલુકાના દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના દર્દીઓ અને સગર્ભા બહેનોને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.
શહેરા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને ભાજપ દ્વારા અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ તાલુકાના દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ટીબીના દર્દીઓ અને સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ‘પોષણ કીટ’ વિતરણનો એક વિશેષ ભગીરથ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે વાઘજીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ભગવતીબેન ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી નટવરસિંહ રાઠોડ ઉપરાંત ભાજપ અગ્રણી ઉમેદસિંહ બારીયા, રમેશભાઈ ચૌહાણ, લખનભાઈ, વત્સલ શાહ તેમજ મેડિકલ ઓફિસરના હસ્તે ટીબીના દર્દીઓ તેમજ સગર્ભા બહેનોને પૌષ્ટિક સામગ્રીથી સભર ‘પોષણ કીટ’ એનાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હંમેશા છેવાડાના સામાન્ય માનવીના સ્વાસ્થ્ય અને કલ્યાણની ચિંતા કરે છે. દેશમાંથી ટીબી જેવા રોગને જડમૂળથી નાબૂદ કરવા માટે હાથ ધરાયેલું અભિયાન અને માતૃ-બાળ સ્વાસ્થ્ય માટે ચલાવવામાં આવતા સુપોષણ અભિયાનમાં શહેરા તાલુકો અગ્રેસર રહીને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યો છે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓ અને ટીબીના દર્દીઓને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહે અને તેઓ શારીરિક રીતે સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનો હતો. તાલુકાના તમામ ૧૦ આરોગ્ય કેન્દ્રો પરથી હાથ ધરાયેલા આ પ્રેરણાદાયી સેવાકાર્યને સ્થાનિક રહીશો, ગ્રામજનો અને લાભાર્થીઓએ ખૂબ જ બિરદાવ્યું હતું. સ્થાનિક લોકોએ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, તાલુકા ભાજપ સંગઠન અને આરોગ્ય વિભાગની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વડાપ્રધાનના જન્મદિનને આ પ્રકારે જનસેવાના કાર્યો સાથે જોડીને ઉજવવાની આ પહેલ તાલુકાભરમાં ભારે પ્રશંસા પામી છે.