ઝાલોદમાં સેવા સંકલ્પની ઉજવણી ૩૩૦૦ દિવડાની ઝગમગાટ સાથે ઝાલોદમાં ગુંજ્યો સેવા અને સંકલ્પનો સંદેશ

ધારાસભ્ય મહેશ ભૂરીયાના નેતૃત્વમાં ત્રણ મંદિરોમાં ૧૧૦૦-૧૧૦૦ દિવડાની મહાઆરતી : ૪૩ યુનિટ રક્તદાન, કાર્યકર્તાઓએ આંગણે પ્રગટાવ્યો આશીર્વાદનો દીવડો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઝાલોદ-૧૩૦ વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા સેવા, સંકલ્પ અને જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાનના જાહેર જીવનના ૨૫ વર્ષના સેવા સંકલ્પને ઉજાગર કરતા ઝાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિર, માંડલેશ્ર્વર મંદિર અને મુવાડા રામજી મંદિર ખાતે અલગ-અલગ ૧૧૦૦-૧૧૦૦ દિવડાની મહાઆરતી, એમ કુલ ૩૩૦૦ દિવડાની મહાઆરતી યોજાઈ હતી.

વણકતલાઈ હનુમાનજી મંદિર ખાતે ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ૧૧૦૦ દિવડાની મહાઆરતી કરવામાં આવી હતી. ધારાસભ્યએ પૂજા-અર્ચના કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા ફૂલોથી આકર્ષક રંગોળી બનાવી વડાપ્રધાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

માંડલેશ્ર્વર ખાતે ૧૧૦૦ દિવડાની મહાઆરતીમાં પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મુવાડા રામજી મંદિર ખાતે પણ ૧૧૦૦ દિવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ત્રણેય મંદિરોમાં દિવડાની ઝગમગતી રોશનીથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

૨૫ વર્ષનો સેવા સંકલ્પ કાર્યકર્તાઓના વિશ્ર્વાસથી સતત આગળ વધ્યો : મહેશ ભૂરીયા…

આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ એ માત્ર વર્ષોની ગણતરી નથી, પરંતુ સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની સતત યાત્રા છે. આ યાત્રામાં ભાજપના કાર્યકર્તાઓનો અડગ વિશ્ર્વાસ, સમર્પણ અને પરિશ્રમ મહત્વપૂર્ણ રહ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાર્યકર્તા સંગઠનની શક્તિ છે અને જનસેવા આપણો સંકલ્પ છે. વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી માત્ર શુભેચ્છા પૂરતી સીમિત ન રહે, પરંતુ સમાજ માટે ઉપયોગી સેવાકાર્યો સાથે જોડાય તે જ‚રી છે.

રક્તદાનથી જ‚રિયાતમંદને જીવનદાન મળી શકે છે અને અંગદાનનો સંકલ્પ માનવસેવાને નવી ઊંચાઈ આપી શકે છે. આજે પ્રગટાવેલો દરેક દીવડો સેવા, સમર્પણ, વિશ્ર્વાસ અને રાષ્ટ્રસેવાના સંકલ્પનું પ્રતીક છે, તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું.

રક્તદાન કેમ્પમાં ૪૩ યુનિટ રક્તદાન…

સવારે ૧૦ વાગ્યે સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. ધારાસભ્ય મહેશ ભૂરીયા, પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા અને મામલતદાર શૈલેન્દ્ર પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય તથા રિબન કાપીને કેમ્પનો પ્રારંભ કરાયો હતો.

કેમ્પમાં ૪૩ યુનિટ રક્તદાન થયું હતું. સાથે જ રક્તદાન અને અંગદાન અંગે જનજાગૃતિ લાવવા તથા સેવાકીય સંકલ્પને આગળ વધારવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

કાર્યકર્તાઓના આંગણે પ્રગટ્યો આશીર્વાદનો દીવડો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીને જનભાગીદારી સાથે જોડવા માટે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પોતાના આંગણે આશીર્વાદનો દીવડો પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો. વિવિધ બુથોમાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો અને લાભાર્થીઓ દ્વારા પણ દીપ પ્રજ્વલન કાર્યક્રમો યોજાયા હતા.

ચોક-ચોરાહા પણ ફૂલોના રંગોથી બન્યા શુભેચ્છાના કેન્દ્ર…

ઝાલોદ નગરપાલિકા દ્વારા સરદાર ચોક, ઝાલા રાજા વસૈયા ચોક તથા બિરસા મુંડા સર્કલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતી ફૂલોની આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવી હતી.

ઝાલોદ શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો ઉપરાંત નગરના વિવિધ ગણેશ મંડળોમાં પણ મહાઆરતી યોજાઈ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એ.કે. ભાટીયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ડી.વાય.એસ.પી. ધીરજ પટેલ, પી.આઈ. રવિ ગામીત, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ કટારા, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશ ભાભોર, શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ, નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલીબેન, નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર, તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકા કાઉન્સિલરો, પંકજ અગ્રવાલ, ભરત માળી સહિત મહિલા મોરચાના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

૩૩૦૦ દિવડાની રોશની, ૪૩ યુનિટ રક્તદાન અને કાર્યકર્તાઓના આંગણે આશીર્વાદનો દીવડોઝાલોદમાં સેવા, સંકલ્પ અને જનભાગીદારી સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.