
ગુજરાત કોંગ્રેસમાં આંતરિક મતભેદનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદે હવે રાજકીય રંગ પકડી લીધો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ પક્ષની અંદરની ખેંચતાણ ફરી જાહેરમાં આવી છે. ગુલાબસિંહે પક્ષના કેટલાક લોકો પર ભાજપ સાથે મળીને સોદાબાજી કરવાનો આક્ષેપ કર્યો છે અને ભવિષ્યમાં આવા લોકોના નામ સાથે ખુલાસો કરવાની ચીમકી આપી છે.
ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પક્ષના નેતાઓ અને કાર્યકરોની લડાઈ એકબીજા સામે નહીં, પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓ માટે ભાજપ સરકાર સામે હોવી જોઈએ. આ સાથે તેમણે પક્ષની અંદર જ કેટલાક લોકો ભાજપ સાથે મળીને સોદા કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે, લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરને જીત મળ્યા બાદ તેમને નુકસાન પહોંચાડવા માટે આંતરિક સ્તરે ષડયંત્ર રચાઈ રહ્યું છે. ગુલાબસિંહે આગામી સમયમાં પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વોના નામ જાહેર કરીને મોટા ખુલાસા કરવાની ચીમકી પણ આપી છે. તેમના આ નિવેદનથી બનાસકાંઠા કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
કોંગ્રેસના આંતરિક વિવાદ અંગે મંત્રી પ્રવીણ માળીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સ્થિતિ માત્ર બનાસકાંઠા સુધી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પક્ષ પાસે ન તો મજબૂત નેતૃત્વ છે કે ન તો યોગ્ય દિશા. જે પક્ષ પોતાના સંગઠન અને પરિવારને સંભાળી શકતો નથી, તે રાજ્યની જવાબદારી સંભાળવાની વાત કરે છે તે વિરોધાભાસી છે. પ્રવીણ માળીના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ પાસે જનતા વચ્ચે જવા માટે કોઈ મજબૂત મુદ્દો રહ્યો નથી અને તેના કારણે પક્ષની અંદરના મતભેદો વારંવાર જાહેરમાં આવી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા ડો. અનિલ પટેલએ પણ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને આકરા પ્રહાર કર્યા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસમાં સ્થાપનાકાળથી જ આંતરિક ખેંચતાણ જોવા મળતી રહી છે. તેમણે કોંગ્રેસને પરિવાર આધારિત પાર્ટી ગણાવીને કહ્યું કે આવી પરિસ્થિતિ પક્ષની અંદરની રાજકીય ખેંચતાણનું પરિણામ હોવાનું તેમણે જણાવ્યું હતું.બનાસકાંઠા કોંગ્રેસના વિવાદને લઈને ભાજપના પ્રહારો સામે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ વળતો જવાબ આપ્યો છે. મનીષ દોશીના જણાવ્યા પ્રમાણે, સંગઠનમાં યોગ્ય સંવાદના અભાવને કારણે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા કાર્યકરોને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ભાજપે કોંગ્રેસને સલાહ આપવાને બદલે પોતાના સંગઠનની સ્થિતિ પર ધ્યાન આપવું જાઈએ. તેમણે ભરૂચમાં ભાજપના સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો તેમજ રાજકોટમાં જયેશ રાદડિયા અને પૂર્વ મંત્રી વચ્ચેની ખેંચતાણનો ઉલ્લેખ કરીને ભાજપની આંતરિક સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા હતા. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે ભાજપમાં પણ નવા અને જૂના નેતાઓ વચ્ચેની હરિફાઈ જાવા મળી રહી છે અને અંતે કોને સમર્થન આપવું તે જનતા જ નક્કી કરશે. બનાસકાંઠા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણએ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેન ઠાકોરની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા છે. મુકેશ ચૌહાણના આક્ષેપ પ્રમાણે, ગુલાબસિંહને જિલ્લા પ્રમુખ બન્યાને આશરે એક વર્ષ થયું હોવા છતાં સંગઠનને મજબૂત કર્યા વિના તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી, જેના કારણે પક્ષને નુકસાન થયું.