ટીવી પર ક્રાઈમ સિરિયલ જોઈને ઠગાઈનો નવો કીમિયો, નકલી શ્રમ અધિકારીએ વેપારીઓ પાસે પૈસા પડાવ્યા

તમે ટીવી પર ક્રાઈમ પેટ્રોલ જેવા શો જાતા હશો, પણ અમદાવાદના એક ઠગે તેને જ પોતાનો ધંધો બનાવી લીધો છે. ન્યૂઝ ચેનલમાં આવતા ક્રાઈમના સમાચાર જોઈ, આરોપીનું નામ અને પોલીસ સ્ટેશનનું નામ નોંધી, જસ્ટ ડાયલ પરથી નંબર શોધીને અધિકારી બનીને ધમકી આપી પૈસા પડાવવાની તેની મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. જેતપુરના એક કારખાનેદાર પાસેથી ગાંધીનગર સચિવાલયના નકલી શ્રમ ઓફિસર બની ૪૦ હજારની ખંડણી માગનાર આ શાતિર ઠગને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે.

ફરિયાદી જેતપુર ઉદ્યોગનગરના એક કારખાનેદાર છે. તેમની સામે અગાઉ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ લેબર એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં તેમને જામીન મળી ગયા હતા. આ સમાચાર ક્યાંકથી ટીવી ન્યૂઝમાં આવ્યા હતા, જે આ ઠગે જોઈ લીધું હતું.

૨૬ મે ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યે ફરિયાદીને એક ફોન આવ્યો. સામેથી વ્યક્તિએ કહ્યું, “હું ગાંધીનગર સચિવાલયમાંથી શ્રમ ઓફિસર ડી.કે. પટેલ બોલું છું. તમારો રાજકોટથી રિપોર્ટ આવ્યો છે. તમારા કારખાનામાંથી ૮ બાળમજૂરો પકડાયા છે. મારે તમારા કારખાનાનો ક્લોઝર નોટિસનો રિપોર્ટ બનાવવાનો છે. જા હળવો રિપોર્ટ જાઈતો હોય તો રૂ. ૪૦,૦૦૦નો વહીવટ કરવો પડશે.”

૨૮ મે ૨૦૨૬ના રોજ આ ઠગ રૂબરૂ જેતપુર આવ્યો અને વેપારીને ધમકાવવા લાગ્યો. તેણે કહ્યું, “તમે બાળકોની તસ્કરી કરીને ગોંધી રાખ્યા છે, ૨૦-૨૦ કલાક મજૂરી કરાવો છો, જમવાનું પણ નથી આપતા. બાળકો મરી જશે તો તમારા પર હત્યાની કલમ લાગશે, આખી જિંદગી જેલમાં જશો, પરિવાર હેરાન થઈ જશે.”

આવી ધાક-ધમકીથી ડરી ગયેલા વેપારીએ તે વખતે રોકડા રૂ. ૧૦,૦૦૦ આપી દીધા અને બાકીના આંગડિયા મારફતે મોકલવાનું કહ્યું. પણ પૈસા લીધા બાદ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતા વેપારીને શંકા ગઈ અને તેણે જેતપુર ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે બીએનએસ કલમ ૩૦૮(૫) હેઠળ ગુનો નોંધાયો.

તપાસ પીઆઈ એસ.એચ. શર્માએ જાતે સંભાળી હતી. તપાસમાં સામે આવ્યું કે આ કોઈ સામાન્ય ઠગ નથી. તે અલગ-અલગ ન્યૂઝ ચેનલોમાં પ્રસારિત થતા ક્રાઈમના એપિસોડ ટીવી પર જુએ છે, તેમાંથી ગુનાની વિગત, આરોપીઓના નામ, સરનામા અને પોલીસ સ્ટેશનના નામ નોંધી લે છે. પછી જસ્ટ ડાયલ પરથી તેમના કારખાના કે દુકાનના નંબર શોધે છે અને જે તે ગુના મુજબ નકલી અધિકારીની ઓળખ આપીને ફોન કરે છે. ક્યારેક ફૂડ સેફ્ટી ઓફિસર, ક્યારેક પોલીસ, ક્યારેક મામલતદાર, ક્યારેક ઇન્કમટેક્સ ઓફિસર અને આ વખતે શ્રમ ઓફિસર.

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરની સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી. રાવ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને અમદાવાદના ઇસનપુર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી આ રીતે કેટલાય વેપારીઓ પાસેથી લાખો રૂપિયા પડાવી ચૂક્યો છે. રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપી ટીવી ન્યૂઝ જોઈને વેપારીઓને ટાર્ગેટ કરતો હતો અને ગાંધીનગરથી કોઈ પણ અધિકારી ક્્યારેય રૂબરૂ પૈસા માંગવા ન આવે, તેવી લોકોને અપીલ કરી છે.