અમદાવાદના રખિયાલમાં દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત થતાં ૫૭ લીટર દેશી દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. અજીત મીલ ચાર રસ્તા નજીક મોડીરાત્રે દેશી દારૂ ભરેલી રિક્ષા અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થતાં રિક્ષામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. લોકોએ રિક્ષાચાલકને રોકી તપાસ કરતાં તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને રિક્ષામાંથી કુલ ૫૭ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, ૨૩ ઓગસ્ટની રાત્રે આશરે ૧૧ઃ૧૫ વાગ્યે રખિયાલના અજીત મીલ ચાર રસ્તા નજીક એક રિક્ષાચાલકે વાહન બેફામ રીતે હંકારી અકસ્માત સર્જ્‌યો હતો. અકસ્મતાની ઘટના બનતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રિક્ષાચાલકની સ્થિતિ જોતા સ્થાનિક લોકોને શંકા ગઈ હતી. રિક્ષામાંથી દેશી દારૂ જેવી તીવ્ર વાસ આવતાં લોકોએ વાહનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી દારૂ ભરેલા કોથળા મળી આવતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ રિક્ષાની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ત્રણ મોટા પ્લાસ્ટિકના કોથળામાં દેશી દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ૧૯ થેલીઓમાં ભરેલો ૫૭ લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો. દારૂ ક્યાથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસમાત બાદ પકડાયેલો રિક્ષાચાલક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિક લોકોએ તેને પકડીને પોલીસને સોંપ્યો હતો. દારૂના જથ્થા સાથે નશાની હાલતમાં વાહન ચલાવવાની ઘટના સામે આવતા વિસ્તારમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને દારૂબંધીના કડક અમલ વચ્ચે દારૂનો જથ્થો શહેરના વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તે મુદ્દો પણ તપાસનો વિષય બન્યો છે.ગાંધીનગર સમાચાર

આ સમગ્ર મામલે રખિયાલ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે રખિયાલના વિવેકાનંદ આવાસ વિસ્તારમાં રહેતા મનીષ ડાભી અને નડિયાદના કનીપુરા કબ્રસ્તાન નજીક રહેતા વિજય તળપદા સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મનીષ ડાભી દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવતા તેની વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ અલગથી કેસ પણ નોંધવામાં આવ્યો છે.ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ગેરકાયદે દારૂના વેચાણ અને હેરાફેરીને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. આવી સ્થિતિમાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં દારૂ ભરેલી રિક્ષા અકસ્માતગ્રસ્ત બનવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ૫૭ લીટર દેશી દારૂ મળી આવતાં સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ અને ગેરકાયદે દારૂની હેરાફેરી પર નિયંત્રણ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે પોલીસ દ્વારા દારૂનો જથ્થો ક્યાથી આવ્યો હતો, તેની પાછળ કોણ છે અને આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.