નસવાડી-કવાંટ મુખ્ય માર્ગ પર ખાણોમાંથી કપચી ભરેલા ડમ્પરો ઓવરલોડ હાલતમાં પુરઝડપે દોડતા હોવાની ફરિયાદો વધી છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ ડમ્પરોમાં કપચી ખુલ્લી ભરાતી હોવાથી રસ્તા પર સતત કપચી વેરાય છે. તેના કારણે ખાસ કરીને ટુ-વ્હિલર ચાલકો સ્લિપ થઈને પડવાની શકયતા રહે છે. વાહનચાલકોનો આક્ષેપ છે કે, ડમ્પર ચાલકો ટ્રાફિક પોલીસ, આર.ટી.ઓ., ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી નિર્ભય બન્યા છે. નિયમોનુ પાલન કરતા નથી અને માર્ગ પર જોખમ વધારી રહ્યા છે. ત્યારે લોકોમાં માંગ ઉઠી છે કે, છોટાઉદેપુર જિલ્લા કલેકટર તાત્કાલિક કાર્યવાહી કરે અને ઓવરલોડ જતા ડમ્પરોને અટકાવવામાં આવે તેમજ કપચી ઢાંકવા માટે તાડપત્રી ફરજિયાત કરવામાં આવે જયારે માર્ગ પર નિયમિત ચેકિંગ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.