
બાલાસિનોર સ્થિત યોદ્ધા એકેડમી ખાતે જેસીઆઈ બાલાસિનોર દ્વારા યુવાનોના વ્યક્તિત્વ વિકાસ, જીવન જીવવાની કળા અને નેતૃત્વ ક્ષમતાને મજબૂત કરવાના હેતુથી બે મહત્વપૂર્ણ તાલીમ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રથમ સત્રનો વિષય દરેક તક ગુમાવવાનો ડર નહીં, પરંતુ પસંદગીપૂર્વક જીવન જીવવાની કળા JOMOહતો. પ્રોવિઝનલ ઝોન ટ્રેનર જે.સી. અક્ષય દોષીએ યુવાનોને આજના ડિજીટલ યુગમાં પ્રાથમિકતાઓ નક્કી કરવા, સમય અને ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બીજા સત્રનો વિષય નાની આદતો, સમજદાર નિર્ણયો અને મોટું લક્ષ્ય હતો. આ સત્રમાં પ્રોવિઝનલ ઝોન ટ્રેનર જે.સી. દક્ષા પટેલે નાની સારી આદતોથી થતા મોટા પરિવર્તન, યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા અને નાના પગલાં દ્વારા મોટા લક્ષ્યો હાંસલ કરવા અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન પૂં પાડ્યું.
બંને તાલીમ સત્રોમાં યુવા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રો દરમિયાન નેતૃત્વ ક્ષમતા, વ્યક્તિત્વ વિકાસ, યોગ્ય નિર્ણય લેવાની કળા, સકારાત્મક વિચારસરણી અને લક્ષ્યલક્ષી અભિગમ જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમ સત્રોનો મુખ્ય હેતુ યુવાનોમાં આત્મવિશ્ર્વાસ વધારવા, નેતૃત્વના ગુણો વિકસાવવા, જીવનમાં યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા કેળવવા અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તેમને સજ્જ કરવાનો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોજેક્ટ ચેરમેન જે.સી. અવિનાશ ગાંધી, પ્રમુખ જે.સી. અચલ રાવલ અને સેક્રેટરી જે.સી. રોનક સાવલસાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
એક ટીમ, એક સંકલ્પ, એક અસરના સંકલ્પ સાથે જેસીઆઈ બાલાસિનોર દ્વારા યુવાનોના સર્વાંગી વિકાસ માટે કરાયેલા આ પ્રયાસને યુવા સહભાગીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.