ગાંધીનગરમાં ૫૭ ભાડુઆતોનું ૩૮ લાખથી વધુ ભાડું બાકી, મનપા દ્વારા તમામને નોટિસ

ગાંધીનગરમાં ૫૭ ભાડુઆતોનું ૩૮ લાખથી વધુ ભાડું બાકી, મનપા દ્વારા તમામને નોટિસ

મનપાએ એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકામાં એટલે કે શહેરમાં આવેલા સેક્ટર ૨૧માં નોટિસ પાઠવવામાં આવી છે. મનપામાં સમાવિષ્ટ સેકટર ૨૧ના વિસ્તારમાં આવેલ ત્રિકોણીયા (માઈક્રો શોપિંગ) ખાતે લાંબા સમયથી ભાડું ન ભરતા ભાડુઆતોને બાકી ભાડા અંગે આ નોટિસ ફટકારાઈ છે.

સેક્ટર-૨૧ સ્થિત ત્રિકોણીયા શોપિંગ સેન્ટરના કુલ ૫૭ જેટલા ભાડુઆતોને નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ ભાડુઆતો પાસે મહાનગરપાલિકાનું અંદાજે કુલ રૂ. ૩૮,૦૮,૮૮૭ જેટલું ભાડું ચૂકવવા અંગે નોટિસ ફટકારવામાં આવી છે. કુલ ૫૭ ભાડુઆતોએ ભાડાની રકમ ભરી ન હતી જેને લઈને મનપા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

મનપા દ્વારા નોટિસ મારફત ૭ દિવસમાં ભાડું ભરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો નિયત સમયમર્યાદામાં બાકી ભાડું જમા કરાવવામાં નહીં આવે, તો ક્સૂરવાર ભાડુઆતો સામે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વનું છે કે, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા વેરા અને ભાડાની વસૂલાત માટે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. મનપા દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવે છે. છતાં કોઈ ઉકેલ આવતો નથી. ત્યારે હવે કેટલા આ ૫૭ ભાડુઆતો તેમની ભાડાની રકમ ભરશે કે પછી મનપા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.