સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત રાજ્યભરમાં ૧૮૭ રેસ્ટોરન્ટમાં દરોડા, ૬ રેસ્ટોરન્ટ સીલ

શ્રાવણ મહિનામાં તહેવાર અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક સૂચના આપી છે. જેના ભાગરૂપે યોજાયેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૮૭ રેસ્ટોરન્ટ્‌સ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૩૭ રેસ્ટોરન્ટ્‌સમાં અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ હોવાની વિગતો પ્રાપ્ત થતા તમામ રેસ્ટોરન્ટ્‌સને બંધ કરવાનો આદેશ કર્યા છે.

આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોનો ભંગ કરનાર બે રેસ્ટોરન્ટ્‌સને, રાજકોટ જિલ્લામાં એક અને નડિયાદ જિલ્લામાં ૩ રેસ્ટોરન્ટને એમ કુલ ૬ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે, જ્યારે અન્ય ૪૦ રેસ્ટોરન્ટ્‌સને નોટિસ પાઠવી છે. તેમજ ચાર રેસ્ટોરન્ટ્‌સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.

આ પ્રમાણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો દ્વારા શહેરના તમામ ઝોનમાં ૨૦૯ હોટેલ-રેસ્ટોરન્ટ અને ૩૪ ઢાબામાં સઘન ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કિચનની સાફ-સફાઈ, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ડેરી પ્રોડક્ટ્‌સ અંગેના ડિસ્પ્લે બોર્ડની ચકાસણી કરીને કુલ ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૧૨૮ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ આપીને ૪,૪૩,૮૦૦ રૂપિયાનો દંડ વસૂલાત કરી છે. જ્યારે ૪૩ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરવાના આદેશ કર્યા છે. મહત્વનું છે કે વર્તમાન સમયમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ભેળસેળિયા અટકે તે અંગે સઘન કાર્યવાહી હાથ ધરી છે.