સણસોલીના પાઢેવા ખેતર વિસ્તારના બિસ્માર રસ્તાથી ગ્રામજનો પરેશાન: સરપંચે મીડિયાનો ફોન કાપી નાખ્યો

કાલોલ તાલુકાના સણસોલી ગામના પાઢેવા ખેતર વિસ્તારમાં રહેતા ૨૦ થી ૨૫ પરિવારજનો માટે ઘરે આવવા-જવાનો મુખ્ય રસ્તો ભારે હાલાકીનો સબબ બન્યો છે. છેલ્લા ઘણા સમયથી નવો રસ્તો ન બનવાના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તા પર કાદવ-કીચડ અને ગંદા પાણીનું સામ્રાજ્ય પથરાઈ ગયું છે, જેનાથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.

સ્થાનિક રહીશ નરેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ રસ્તેથી પસાર થવું ખૂબ જ જોખમી બની ગયું છે. ચોમાસામાં કાદવ-કીચડને કારણે રોજિંદી અવરજવરમાં ભારે અગવડ પડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીં ફક્ત ૫૦૦ મીટર નો નવો સીસી રોડ કે મેટલ રોડ બનાવી આપવામાં આવે તે અત્યંત જરૂરી છે. તંત્ર દ્વારા નવા રોડની માપણી કરાઈ છે પણ બનાવતા નથી

આ અંગે ગ્રામ પંચાયતમાં વારંવાર મૌખીક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જ્યારે આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ રાઠોડનો ટેલિફોનિક સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે સતત બે દિવસથી ફોન કોલ કરવામાં આવે છે પણ ઉપાડતા નથી. જવાબદારોના આવા બેદરકારીભર્યા વલણને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.