સુરતઃ ડેંગ્યુની સારવાર દરમિયાન ૧૪ વર્ષના કિશોરનું મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ

પાંડેસરા વિસ્તારમાં ડેંગ્યુની સારવાર દરમિયાન ૧૪ વર્ષના કિશોરના મોતને પગલે તબીબી બેદરકારીના આક્ષેપ સાથે ચકચાર મચી ગઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, કિશોરને છેલ્લા બે દિવસથી તાવ હોવાથી તેરેનામ ચોકડી નજીક આવેલી સ્વસ્તીક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. હોસ્પિટલમાં તપાસ કર્યા બાદ તબીબે તેને ડેંગ્યુ હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, મૃતક અભિષેક સિંહને હોસ્પિટલમાં બે દિવસ સુધી બોટલ ચડાવીને સારવાર આપવામાં આવી હતી. તબીબ દ્વારા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ પરિવારજનો તેને બોટલ ચડાવ્યા બાદ ઘરે લઈ ગયા હતા.

પરિવારના જણાવ્યા પ્રમાણે, ગઈકાલે રાત્રે આશરે ૧૦ઃ૩૦ વાગ્યે અભિષેકને હોસ્પિટલમાં ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઇન્જેક્શન આપ્યાના થોડા સમય બાદ તેની તબિયત અચાનક લથડી હતી અને આશરે અડધા કલાકમાં તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેની સ્થિતિ ગંભીર બનતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.

મૃતકના પિતા બલરામ સિંહે હોસ્પિટલ અને તબીબ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના કહેવા મુજબ, બાળકને ખોટી, એક્સપાયરી થયેલી અથવા વધુ ડોઝવાળી દવા/ઇન્જેક્શન આપવામાં આવ્યું હોવાની તેમને શંકા છે. જાકે, આ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર રીતે હજુ કોઈ પુષ્ટિ થઈ નથી.

બાળકના પિતા વોચમેન તરીકે કામ કરે છે. તેમણે સમગ્ર મામલે તબીબી બેદરકારી દાખવનાર તબીબ સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અભિષેકના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક ભાઈ અને એક બહેન છે.

કિશોરના મોતથી પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સારવાર દરમિયાન આપવામાં આવેલી દવાઓ અને ઇન્જેક્શન, તબીબી રેકોર્ડ તેમજ અન્ય પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બાળકનું મોત ખરેખર તબીબી બેદરકારીને કારણે થયું છે કે અન્ય કોઈ તબીબી કારણસર, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.