
છોટા ઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામમાં એક વૃદ્ધાને ફાડી ખાનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટના બાદ વન વિભાગ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
ગત ૨૪ જુલાઈની રાત્રે રાયસિંગપુરા ગામમાં સૂઈ રહેલી એક વૃદ્ધાને દીપડો ખેંચી ગયો હતો અને તેમને ફાડી ખાધા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
માનવભક્ષી બનેલા આ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ઘટનાસ્થળે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. લગભગ ૨૦ દિવસ સુધી દીપડો વન વિભાગને હાથતાળી આપતો રહ્યો, પરંતુ ગત રાત્રિ દરમિયાન તે પાંજરે પુરાઈ ગયો.
ઉલ્લેખનીય છે કે, છોટા ઉદેપુર જીલ્લામાં દીપડાની વસ્તી નોંધપાત્ર છે અને અવારનવાર માનવ વસ્તીમાં દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવે છે. આથી, વન વિભાગ વધુ સતર્કતાથી પગલાં ભરે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે.