
બોડેલી નગરમાં રખડતા આખલાઓએ છેલ્લા ૧૫ કલાકમાં ત્રણ રાહદારીઓને ઇજા પહોંચાડી છે. આ ઘટનાઓને કારણે નગરજનોમાં ભય વ્યાપી ગયો છે. આજે એક વૃદ્ધ અને એક યુવાન સહિત ત્રણ લોકોને આખલાઓએ શિંગડે ભરાવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાઓમાં પ્રથમ બનાવ બોડેલીના ચાર રસ્તા નજીક ખોડિયાર ચોક પાસે બન્યો હતો. જ્યાં બે આખલાઓ લડી રહ્યા હતા તે સમયે દુકાને જવા નીકળેલા ગણપત હીરાજી પ્રજાપતિને એક આખલાએ શિંગડે ભરાવી ઇજા પહોંચાડી હતી.
આ જ રીતે, ઊંચાપાનથી મજૂરી અર્થે સુરત જવા નીકળેલા જગદીશ વિઠ્ઠલભાઈ રાઠવાને પણ આખલાએ અડફેટે લીધા હતા. તેમને શિંગડે ભરાવતા ડાબા હાથે ઇજા થઈ હતી.
આ ઉપરાંત, ગઈકાલે બુધવારે સાંજે અમૃતભાઈ બારિયા ચા લેવા જઈ રહ્યા હતા. ચાર રસ્તા નજીક એક રખડતા આખલાએ તેમને ભેટી મારી જમીન પર ફેંકી દીધા હતા. ગંભીર ઇજાઓ થતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાછાપરી ઘટનાઓને કારણે બોડેલી શહેરમાં રખડતા આખલાઓથી લોકોમાં ચિંતા અને ભય વ્યાપ્યો છે. ખાસ કરીને રસ્તા પર અવરજવર કરતા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.
નગરજનોએ બોડેલી નગરપાલિકા તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. રખડતા આખલાઓને પકડીને સલામત સ્થળે ખસેડવામાં આવે અને આવી ઘટનાઓ અટકાવવા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી અપીલ કરાઈ છે.