છોટાઉદેપુર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓ અને જિલ્લા પંચાયત તંત્ર વચ્ચે ધર્ષણના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ રાજય ભરમાં તલાટીઓ મહેસુલી કામગીરીથી અળગા રહી અચોકકસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે બીજી તરફ છોટાઉદેપુરના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના તમામ તલાટીઓને નોટિસ ફટકારી છે. એગ્રી સ્ટેક રજીસ્ટ્રેશનની કામગીરીને અટકાવવા બદલ બે દિવસમાં લેખિત ખુલાસો માંગવામાં આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકાઓની ૩૫૦થી વધુ ગ્રામ પંચાયતોના તલાટીઓ હાલ વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાળ પર છે. હડતાળના કારણે ગામડાઓમાં મહેસુલી કામગીરી તેમજ વિવિધ દાખલાઓ મેળવવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. આ દરમિયાન ખેડુતો માટે સરકારી યોજનાઓ અને ડિજિટલ આધાર સમાન એગ્રી સ્ટેક ફાર્મર રજીસ્ટ્રીનુ કામ પણ અટકી પડ્યુ છે. આ રજીસ્ટ્રેશનમાં તલાટીઓ દ્વારા સી.એમ.લોગ ઈન પર અરજીઓની ચકાસણી કરી એપ્રુવલ આપવાની હોય છે. પરંતુ તલાટીઓની હડતાળના કારણે મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ રહી જતાં તંત્ર દ્વારા કડક વલણ અપનાવ્યુ છે. અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના તમામ તલાટીઓને નોટિસ ફટકારી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, એગ્રી સ્ટેક રજીસ્ટ્રેશનનુ કામ સમયસર પુર્ણ કરવા વારંવાર સુચનાઓ આપવા છતાં તલાટીઓ દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી, શિથિલતા અને નિષ્કાળજી દર્શાવી છે. તમામ તલાટીઓએ અટકાવેલી કામગીરી ત્વરિત પુરી કરી તેનો અહેવાલ રજુ કરવો અથવા આગામી દિન-૨ માં પોતાની શિથિલતા અંગે યોગ્ય ખુલાસો રજુ કરવો. જો નિર્ધારિત સમયમાં યોગ્ય ખુલાસો રજુ કરવામાં નહિ આવે તો તલાટીઓ સામે એકતરફી શિક્ષાત્મક/શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરાશે તેવી ચિમકી આપી છે.