શહેરામાં ભારે વરસાદથી હાલાકી: પાનમ ડેમ તરફ જતો મુખ્ય માર્ગ બંધ

શહેરા તાલુકા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ભારે ખોરવાયું હતું. પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ જતો ૨૦ ઉપરાંત ગામોને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થવા જતી એક ડઞટ કાર ફસાઈ ગઈ હતી.

શહેરા ના પાનમ પાટીયાથી પાનમ ડેમ તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલ  પાડી વાછરડા ઉછેર કેન્દ્ર પાસે માર્ગ પર નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. રસ્તા પર વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે પાનમ ડેમ અને ઊંડારા  તરફના  ૨૦થી પણ વધુ ગામોને જોડતો આ મુખ્ય વ્યવહારિક રસ્તો બંધ થઈ ગયો હતો. માર્ગ બંધ થતાં નોકરીયાતો, ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.રસ્તા પર ભરાયેલા પાણીના ઊંડાણનો અંદાજ ન આવતા, ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલી એક સફેદ રંગની XUV કાર વચ્ચે રસ્તે જ પાણીના ભારે પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. કાર પાણીમાં ડૂબી જતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રસ્તા પર વધી રહેલા પાણીના સ્તર અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે રસ્તાની બંને બાજુ બેરિકેડિંગ કરી બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી કોઈ વાહનચાલક જોખમ ખેડીને આગળ જવાનો પ્રયાસ ન કરે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને અત્યારે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને વહેતા પાણીમાં વાહન ન ઉતારવાની અપીલ કરવામાં આવી હતી.