ભાવનગર હવસખોર નિવૃત્ત સરકારી અધિકારીએ ૫ વર્ષની બાળા સાથે ચાર દિવાલની અંદર કાળા કામ કર્યા

સમાજમાં બાળકીઓની સલામતી બાબતે કોઈના પર પણ અંધ વિશ્ર્વાસ રાખો તો આગળ થતાં ગંભીર ભૂલ સાબિત થઈ શકે છે. તેવો એક કિસ્સો હાલ ભાવનગર શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં વર્ગ-૨ જેવી સન્માનનીય પોસ્ટ પર સરકારી નોકરી કરી નિવૃત્ત થયેલા ૬૦ વર્ષીય ભાભાએ પોતાના ઘરે આવતી માત્ર ૫ વર્ષની બાળા પર નજર બગાડી દુષ્કર્મ આચર્યું હતું. હાલ આ જઘન્ય ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ હવસખોર નિવૃત્ત સરકારી અધિકારીને ઝડપી પાડ્યો છે અને તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો… ભાવનગર શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં ભક્તિનગર નજીક લીલા સર્કલ પાસે રહેતા હસમુખ પંડ્યા ઉર્ફે ૠષિ પંડ્યા નામના વર્ગ-૨ નિવૃત્ત અધિકારીએ તેના ઘરે આવતી માત્ર ૫ વર્ષની બાળકી સાથે આ કુકર્મ આચર્યું હતું. નિવૃત્ત વર્ગ-૨ અધિકારી હસમુખ ઉર્ફે ૠષિ પંડ્યાએ પોતાના ઓળખીતા પરિવાર સાથે સારો વ્યવહાર રાખી વિશ્ર્વાસ જીત્યો હતો અને બાદમાં આ પાંચ વર્ષની બાળકી સામે જઘન્ય કૃત્ય આચર્યું હતું, જે આખો મામલો હાલ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સામે આવ્યો છે.

ઘટના અંગેની પોલીસ ફરિયાદ મુજબ, પીડિત બાળકીના પરિવારમાં માતા-પિતા નોકરી કરતા હોવાથી તેઓને બાળકીને રોજ સ્કૂલેથી લાવવા મોકલવાનો સમય ન રહેતો હોવાથી બાળકીને સ્કૂલેથી લાવવા મોકલવાની તથા ઘરે રમાડવાની જવાબદારી સ્વીકારી આ નરાધમ હસમુખ ઉર્ફે ૠષિ પંડ્યાના શિરે હતી. દરમિયાન બનાવ સમયે હસમુખ પંડ્યા ઉર્ફે ૠષિ પંડ્યાના ઘરે તેની પત્ની તથા દીકરો હાજર ન હતા. જેથી ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઈ તેણે પોતાના ઘરે આ બાળકી સાથે ઘૃણાસ્પદ દુષ્કર્મ આચર્યું હતું.

નોંધનીય છે કે, હવસખોર આરોપી હસમુખ ઉર્ફે ૠષિ પંડ્યા ભાવનગરના બહુમાળી ભવન ખાતે જિલ્લા સહકારી મંડળીમાં વર્ગ-૨ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યો છે અને હાલ નિવૃત્ત જીવન જીવી રહ્યો છે. જાહેર સેવામાં રહેલો અને સમાજમાં ભદ્ર છબી ધરાવતો વ્યક્તિ આવા અમાનવીય ગુનામાં સંડોવાયો હોવાની વાત સામે આવતા સમગ્ર શહેરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ત્યારે બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ક્લાસ ૨ જેવી પોસ્ટ પર સરકારી નોકરી કર્યા બાદ પણ આ હસમુખ પંડ્યા ઉર્ફે ૠષિ પંડ્યાએ માત્ર પાંચ વર્ષની બાળકી સાથે આ જઘન્ય કૃત્ય આચર્યું હોવાની આ ઘટનાએ માનવતા, વિશ્ર્વાસ અને બાળ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે, ત્યારે આ ઘટના અંગે પોલીસે ફરિયાદને આધારે સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર ગુનો નોંધી હવસખોર આરોપી હસમુખ પંડ્યા ઉર્ફે ૠષિ પંડ્યાની ધરપકડ કરી હતી અને તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવડાવ્યું હતું, દરમિયાન લોકો હસમુખ પંડ્યાને ધિક્કારની નજરે જોવા મળ્યા હતા. ત્યારે હાલ આ ઘટનાથી સમગ્ર ભાવનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.