
કાલોલ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. છેલ્લા ૧૨ મહિનાથી પેન્શન અને ૨૨ મહિનાથી મળવાપાત્ર મોંઘવારી ભથ્થું (DA) ન મળતાં રોષે ભરાયેલા ૪૬ જેટલા નિવૃત્ત પેન્શનરોએ આજે પાલિકા પ્રાંગણમાં સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર બેસીને પોતાના હક્ક માટે વિરોધ નોંધાવ્યો છે.
જૂન ૨૦૨૫થી ચાલુ જુલાઈ ૨૦૨૬ સુધીના ૧૨ માસનું પેન્શન અને ૨૨ મહિનાના મોંઘવારી ભથ્થાનો તફાવત ચૂકવવાનો બાકી છે. પાલિકાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આટલા લાંબા સમય સુધી પેન્શન બાકી રહ્યું નથી. પાલિકાની ચૂંટણી બાદ નિવૃત્ત કર્મચારીઓએ વહીવટદારો તેમજ સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમક્ષ અનેકવાર રજૂઆતો કરી હતી. ધારાસભ્યએ ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ કોઈ પેન્શન કે ભથ્થા મળ્યા નથી.
તાલુકા ‘સ્વાગત’ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરાયેલી અરજીના જવાબમાં પાલિકાના ચીફ ઓફિસરે ‘શ્રીનિધિ યોજના’માંથી લોન મેળવવાની દરખાસ્ત કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, ૩ મહિના વીત્યા પછી પણ લોન અંગે કોઈ પરિણામ આવ્યું નથી.મોંઘવારીના આ સમયમાં પેન્શન ન મળવાને કારણે વૃદ્ધ, નિસહાય અને વિધવા મહિલા પેન્શનરો સહિત તમામ ૪૬ પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે. ઘરનું ભરણપોષણ, દવા-બીમારીના ખર્ચ અને સામાજિક પ્રસંગો ઉકેલવા ભારે મુશ્કેલ બની ગયા છે.
“૧૨-૧૨ મહિનાથી પેન્શન ન મળવાને કારણે હવે તો સ્થાનિક વેપારીઓ પાસે અનાજ અને કરિયાણું પણ ઉધાર મળતું બંધ થઈ ગયું છે.”— નિવૃત્ત પેન્શનરોની વ્યથા
તમામ રજૂઆતો અને નિષ્ફળ કવાયતો બાદ અંતે કંટાળીને નિવૃત્ત કર્મચારીઓએ પોતાના હક્કના બાકી નીકળતા ૧૨ માસના પેન્શન અને ૨૨ માસના મોંઘવારી ભથ્થાની તાત્કાલિક ચુકવણીની માંગ સાથે નગરપાલિકાના પ્રાંગણમાં પ્રતિક ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. અને દરરોજ પ્રતિક ઉપવાસ ચાલુ રાખવામાં આવશો તેવું જણાવ્યું છે. પેન્શનરો ની માંગ મુજબ પેન્શન દર માસે દસ તારીખ સુધી ચૂકવી આપવું તેમજ છઠા પગાર પંચ મુજબ પેન્શન આપવું, વર્ષ ૨૦૨૧ થી ૨૬ સુધી મોંઘવારી ભથ્થું તફાવત ની રકમ ચૂકવવી જેવી મુખ્ય માંગ કરી છે.
*પેન્શનરો ને એક મહિનાનું પેન્શન તાજેતરમાં ચૂકવ્યું છે અને બાકીના પૈસા માટે સરકારમાં શ્રી નિધી લોન ની માંગણી કરી છે જે આવે થી ચૂકવી આપીશું. એસ એસ પટેલ ચીફ ઓફિસર કાલોલ નગરપાલિકા.*