
-સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલીનું પ્રસ્થાન, ઢોલ-નગારાના તાલે આદિવાસી ગીતોની રમઝટ : પરંપરાગત વેશભૂષા અને નૃત્યથી સર્જાયો અનોખો માહોલ.
ઝાલોદ નગરમાં વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે રવિવારના રોજ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, એકતા અને વારસાની ઝાંખી કરાવતી ભવ્ય રેલીથી સમગ્ર ઝાલોદ નગર આદિવાસી રંગે રંગાઈ ગયું હતું. પરંપરાગત આદિવાસી પહેરવેશ, નૃત્ય, દેશી ઢોલ તથા આદિવાસી ગીતોના તાલે મોટી સંખ્યામાં સમાજજનો નાચતા-ઝૂમતા રેલીમાં જોડાયા હતા.
વિશ્ર્વ આદિવાસી દિવસની રેલી પૂર્વે સમાજના શ્રેષ્ઠ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, રમતગમત, સામાજીક સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા દર્શાવનાર પ્રતિભાશાળી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ આદિવાસી રીત-રિવાજ અને પરંપરા મુજબ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ભીલ રાજા ઝાલા વસૈયા ચોક ખાતે ભીલ રાજા વસૈયાને પુષ્પહાર અર્પણ કરી તથા પૂજન-અર્ચન બાદ રેલીનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વિશેષ મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા. રેલી દરમિયાન વિવિધ આદિવાસી સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હાથમાં ભીલ પ્રદેશના ધ્વજ અને વિવિધ સંદેશા સાથે યુવાનો, મહિલાઓ તથા બાળકો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા.
રેલીમાં ગુજરાતના જાણીતા સિંગર અર્જુન મેડા, આરતી બામણીયા, મધ્યપ્રદેશના જાણીતા સિંગર મમતા ડામોર અને પ્રિયંકા મંડલોઈ તેમજ રાજસ્થાનના કલાકારોએ ઉપસ્થિત રહી આદિવાસી ગીતોની રમઝટ બોલાવી હતી. કલાકારોના ગીતોના તાલે મોટી સંખ્યામાં લોકો નાચતા-ઝૂમતા જોવા મળ્યા હતા.
દેશી ઢોલના તાલે જીગરભાઈ ડામોર દ્વારા ઢોલવાદનની રજૂઆત કરવામાં આવતા રેલીમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર નગરમાં જ્યાંથી રેલી પસાર થઈ ત્યાં આદિવાસી નૃત્ય, ગીત-સંગીત અને પરંપરાગત વેશભૂષાની સુંદર ઝલક જોવા મળી હતી. જાણે આખું ઝાલોદ નગર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
રેલીને આવકારવા અને વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને ઝાલોદ નગરના મુખ્ય માર્ગો પર ભીલ પ્રદેશના ધ્વજ લગાવવામાં આવ્યા હતા. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડતાં રેલીમાં જનમેદની જોવા મળી હતી. રેલીમાં આદિવાસી સમાજની એકતા, ભાઈચારો, પરંપરા અને સમૃદ્ધ લોકસંસ્કૃતિનું સુંદર પ્રદર્શન જોવા મળ્યું હતું.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, દિવસભર પોલીસ વાનથી પેટ્રોલિંગ
વિશ્ર્વ આદિવાસી દિવસની ભવ્ય રેલીને પગલે ઝાલોદ નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા દિવસભર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલી સાથે પોલીસ કર્મચારીઓ તૈનાત રહ્યા હતા તેમજ પોલીસ વાન દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી હતી.
ભવ્ય રેલી દરમિયાન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા જરી વ્યવસ્થા કરવામાં આવી હતી. એમ.જી.વી.સી.એલ.ની ટીમ પણ તકેદારી માટે તૈનાત રહી હતી. રેલી દરમિયાન કોઈપણ પ્રકારની તબીબી જરિયાત ઊભી થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ફરતી મેડિકલ વાનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.
નીલુબેન વસૈયા સહિત આયોજકોના આયોજનથી ઉજવણી બની યાદગાર
વિશ્ર્વ આદિવાસી દિવસની આ ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે નીલુબેન વસૈયા, આદિવાસી પરિવાર તેમજ ઝાલોદ યુવા ભીલ આર્મી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજજનોની ઉપસ્થિતિ અને પરંપરાગત સંસ્કૃતિના જીવંત પ્રદર્શનને કારણે આદિવાસી દિવસની ઉજવણી ઝાલોદમાં યાદગાર બની રહી હતી.
વિશ્ર્વ આદિવાસી દિવસ દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્ર્વભરના આદિવાસી લોકોના અધિકારો, તેમની ઓળખ, ભાષા, પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલી અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ અને પરંપરાના સંરક્ષણ તેમજ તેમના અધિકારો અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે.
ઝાલોદમાં યોજાયેલી ભવ્ય રેલીમાં પણ આદિવાસી સમાજે પોતાની સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું જીવંત પ્રદર્શન કરી વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણીને આગવી ઓળખ આપી હતી.