જનોડ પાટિયાથી ગુથલી-ફેલસાણી જોડતો માર્ગ વર્ષોથી બિસ્માર, તંત્રની નિષ્ક્રિયતાથી વાહનચાલકો પરેશાન

ઉખડેલા ડામર, કપચી-કાંકરી અને ખાડાઓ વચ્ચે જોખમી મુસાફરી; અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગની મરામત કરવા ગ્રામજનોની માંગ.

બાલાસિનોર તાલુકામાં જનોડ પાટિયાથી ગુથલી અને ફેલસાણી ગામોને જોડતો મહત્વનો ગ્રામ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. માર્ગ પર અનેક સ્થળે ડામર ઉખડી જતાં ખાડા પડી ગયા છે, જ્યારે રસ્તા પર કપચી-કાંકરી પથરાયેલી હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી માર્ગની સ્થિતિ કથળતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય અને કાયમી મરામત કરવામાં નહીં આવતી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ચોમાસાની ઋતુમાં માર્ગની હાલત વધુ ખરાબ બનવાની શક્યતા છે. ઉખડેલા ડામર અને છૂટીછવાઈ કાંકરીને કારણે ખાસ કરીને બાઈકચાલકો માટે આ માર્ગ જોખમી બની રહ્યો છે. વાહનચાલકોને અકસ્માતના ભય વચ્ચે ધીમે અને સાવચેતીપૂર્વક પસાર થવાની ફરજ પડી રહી છે.અકસ્માત બાદ જ તંત્ર જાગશે?જનોડ પાટિયા, ગુથલી અને ફેલસાણી ગામો વચ્ચેનો આ માર્ગ સ્થાનિક લોકો માટે અવરજવરનો મહત્વનો રસ્તો છે. તેમ છતાં વર્ષોથી યોગ્ય મરામતના અભાવે માર્ગની હાલત દિવસેને દિવસે કથળી રહી છે. માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ તંત્ર જાગશે કે પછી અગાઉથી જ માર્ગનું સમારકામ કરવામાં આવશે? સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગની સ્થિતિ અંગે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે વાસ્તવિક કામગીરી હાથ ધરવામાં આવે તે જ‚રી છે.તાત્કાલિક મરામતની માંગ

સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોએ સંબંધિત વિભાગ સમક્ષ જનોડ પાટિયાથી ગુથલી-ફેલસાણી સુધીના માર્ગનું તાત્કાલિક નિરીક્ષણ કરવાની માંગ કરી છે. માર્ગ પરના ખાડાઓનું પુરાણ, ઉખડેલા ડામરનું સમારકામ તેમજ જ‚રી સ્થળોએ નવેસરથી ડામર કામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અકસ્મતો સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા માર્ગની મરામત કરી લોકોને સુરક્ષિત અવરજવર મળી રહે તેવી માંગ ઉઠી છે.