કાલોલમાં ખાનગી ફાયનાન્સ કં૫નીમાં નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યો

કાલોલમાં ખાનગી ફાયનાન્સ કંપનીમાં નોકરી કરતા ૨૩ વર્ષિય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ સ્થિત મ્યુથુટ માઈક્રોફિન ફાયનાન્સ કંપનીમાં પાછલા દોઢ વર્ષથી નોકરી કરતા વિશાલ દિલીપભાઈ સોલંકી(ઉ.વ.૨૩, મુળ રહે.સધાપુરા, તા.સાવલી)ધરેથી પોતાની કાર લઈને હાલોલ ખાતે નોકરી જવા માટે નીકળ્યો હતો. પરંતુ સાંજ સુધી ધરે પરત નહિ આવતા તેના પરિવારજનોએ વિશાલને ફોન કરતા ઉપાડ્યો ન હતો. જેથી પરિવારજનો ચિંતિત બન્યા હતા. વિશાલના સંપર્કમાં આવતા મિત્રો તેમજ સગા સંબંધિઓને ત્યાં શોધખોળ આદરી હતી. જે મધ્યે વિશાલના મિત્ર ધર્મેન્દ્ર જાદવ(રહે.સણસોલી)નો ફોન આવેલ અને જણાવેલ કે, વિશાલની ગાડી બો‚ નર્મદા કેનાલ પાસે રોડ સાઈડમાં બિનવારસી હાલતમાં પાર્ક કરેલી જોવા મળતા પરિવારજનો બો‚ નર્મદા કેનાલ પાસે પહોંચીને આસપાસમાં શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન મોડીરાત્રિના અરસામાં વિશાલની લાશ બો‚ સ્થિત નર્મદા કેનાલ પાસે આવેલ ઈનોક્ષ કંપનીની સામે આવેલ જંગલમાં એક લીમડાના ઝાડ સાથે મફલર બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જે ધટના અંગે પરિવારજનોએ કાલોલ પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી મૃતદેહને પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.