હાલોલ તાજપુરા ગામમાં મગર દેખાતા વન વિભાગે મગરનું રેસ્ક્યૂ કર્યું

હાલોલના તાજપુરા ગામમાં સાડા ત્રણ ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વન વિભાગ અને સિદ્ધાંત જીવદયા ટીમે સમયસર પહોંચી મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરી તેને કુદરતી રહેઠાણમાં મુક્ત કર્યો હતો.પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા ગામમાં અચાનક મગર દેખાતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા, વન વિભાગ અને સિદ્ધાંત જીવદયાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ટીમે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી. ભારે જહેમત અને કુશળતા બાદ ત્રણ થી સાડા ત્રણ ફૂટ લાંબા મગરને સફળતાપૂર્વક પકડી લેવામાં આવ્યો.આર.એફ.ઓ.ના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરાયેલા મગરને માનવ વસાહતથી દૂર તેના કુદરતી રહેઠાણમાં સુરક્ષિત રીતે છોડી દેવાયો હતો. વન વિભાગ અને સિદ્ધાંત જીવદયા ટીમે ગ્રામજનોનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લોકોને અપીલ કરી કે કોઈપણ જંગલી પ્રાણી ગામ કે રહેણાંક વિસ્તારમાં જોવા મળે તો ગભરાવું નહીં, તેને પકડવા કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક વન વિભાગ અથવા રેસ્ક્યુ ટીમને જાણ કરવી.