દરિયાપુરના મનપસંદ જીમખાનામાં દરોડો, ૧૮૦થી વધુ જુગારીઓ ઝડપાયા; લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલએ મોડી રાત્રે મોટી કાર્યવાહી કરીને મનપસંદ જીમખાનામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના કરવામાં આવેલી આ રેડમાં ૧૮૦થી વધુ જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે લાખો રૂપિયાની રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરીને સમગ્ર રેકેટની તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત માહિતી મુજબ, દરિયાપુરના મનપસંદ જીમખાનામાં લાંબા સમયથી મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોડી રાત્રે અચાનક દરોડો પાડ્યો હતો.

રેડ પડતાં જ જીમખાનામાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક લોકો ભાગવાનો પ્રયાસ કરતા જાવા મળ્યા હતા.એસએમસીની કાર્યવાહી દરમિયાન ૧૮૦થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ, મોબાઈલ ફોન, વાહનો અને જુગાર રમવા માટે વપરાતી અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં જુગારીઓ ઝડપાતા શહેરમાં આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.આ સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસને અગાઉથી જાણ કર્યા વગર હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ હવે આ જુગારધામનું સંચાલન કોણ કરતું હતું, તેમાં કોની સંડોવણી હતી અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.એસએમસીએ તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ જપ્ત કરાયેલા મોબાઈલ ફોન, દસ્તાવેજા અને અન્ય પુરાવાના આધારે જુગારના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન વધુ મોટા ખુલાસા થવાની શક્્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.