પાવીજેતપુર રાસલીના યુવાનોએ જનતા રેડ કરી ગેરકાયદેસર રેતી ખનન કરતા પાંચ મશીન અને હાઈવા ઝડપ્યા

પાવીજેતપુર પાસે રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીમાં ગેરકાયદે રેતી ખનન ચાલતુ હતુ. જેના પર મોટી રાસલી ગામના યુવાનો દ્વારા જનતા રેડ કરીને પાંચ મશીન અને ચાર હાઈવા ટ્રક ઝડપી પાડીને ખાણ ખનીજ વિભાગને સોંપી હતી.

છોટાઉદેપુર જિલ્લો રેતી ખનન માટે સ્વર્ગ સમાન બની ગયો છે. જેને લઈને બહારના જિલ્લાઓમાંથી મોટાપાયે રેતી માફિયાઓ દ્વારા અહિંયા આવીને રેતી ધંધોકરે છે. અને કરોડો રૂપિયાનો ધંધો કરી રહ્યા છે. જેમાં કેટલાક ઠેકાણે કાયદેસર લીઝના નામે બે નંબરમાં રેતી ખનન કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.જેનો પુરાવો પાવીજેતપુરના રતનપુર ખાતે જોવા મળ્યો હતો. રતનપુર ગામની હદમાં ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યુ હતુ. જેના ઉપર મોટી રાસલીના યુવાનો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. આ જનતા રેડ દરમિયાન સ્થાનિક યુવાનો દ્વારા 4 હાઈવા ટ્રક અને 5 મશીન ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાણ ખનીજ વિભાગને જાણ કરતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ધટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યા હોવાની બુમો ઉઠી છે. પરંતુ ખાણ ખનીજ વિભાગ માત્ર કાગળ પર કાર્યવાહી તે પણ નામ પુરતી કરતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જિલ્લાના પાવીજેતપુર પાસે શિહોદ, શિથોલ, લોઢણ, વાઘવા, વાંકીતેમજ પંચમહાલની સરહદે આવેલ કણજીપાણીમાં ચાલતા સ્ટોક ઉપર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તો મોટાપાયે ચાલતા ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ થાય તેમ છે.