નસવાડી નજીક આવેલ આકોના ગામે વિકાસની વરવી વાસ્તવિકતા બહાર આવી છે. સરકારના વિકાસના દાવા વચ્ચે આકોના ગામે આજે પણ મૂળભૂત સુવિધાના અભાવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ૨૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામના લોકોને સ્મશાને જવા માટે આજે પણ જીવના જોખમે અશ્ર્વિન નદી પાર કરવી પડે છે.
ચોમાસામાં એક નાની ભૂલ પણ જાનલેવા બની શકે તેમ છે. ગામની નજીકથી પસાર થતી આ નદી પર આજ સુધી માઇનોર બ્રિજ બન્યો નથી. પરિણામે ગામના લોકોને અંતિમ વિધિ માટે નદી પાર કરવી પડે છે. જ્યારે નદીમાં પાણી ઓછું હોય ત્યારે ગ્રામજનો નદીમાંથી ચાલીને સામે કિનારે આવેલા સ્મશાન સુધી પહોંચે છે. પરંતુ ભારે વરસાદ અને નદીમાં પાણી વધી જાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. ત્યારે ૧૫ કિમીનો લાંબો ફેરો ફરીને બીજા રસ્તેથી સ્મશાન સુધી પહોંચવું પડે છે.
ગ્રામજનોનું કહેવું છે કે, શબને લઈને આટલો લાંબો રસ્તો કાપવો પડે તે માનસિક અને શારીરિક બંને રીતે પીડાદાયક છે. આકોના ગામના લોકો દર વર્ષે ચોમાસામાં આ જ સમસ્યા ભોગવે છે. નસવાડી તાલુકા કક્ષાએ બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી.
આકોના અશ્ર્વિન નદી ઉપર માઇનોર બ્રિજ બને તો પોથલીપુરા ગામ પણ જોડાય શકે અને બે ગામને જોડતો રસ્તો બની જાય. હાલ તો સરકારના વિકાસના દાવા વચ્ચે વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે. ત્યારે સરકારી તંત્ર અને નેતાઓ શું ધ્યાન આપે છે તે જોવું રહ્યું.
લોકોને નદીમાં પાણી હોય તો ૧૫ કિમી ફરીને આવવું પડે છે. આકોનામાં રેશનિંગ દુકાન આવેલી હોઇ પોથલીપુરાના રેશનકાર્ડ ગ્રાહકોને નદીમાંથી જવું પડે છે. પરંતુ નદીમાં પાણી હોય ત્યારે ફરજીયાત ૧૫ કિમી ફરીને આવવું પડે છે. અનાજ લેવા આવે તોય ા. ૨૦૦નું પેટ્રોલ બળી જતું હોય છે. તો આકોનાની ૨૫૦ એકર ખેતી જમીન પણ નદીને સામા કિનારે આવેલી છે.
જેથી ખેડૂતોને પણ જીવના જોખમે નદી પાર કરવી પડે છે અને જો વધુ વરસાદ હોય તો ૧૫ કિમી ફરીને જવું પડે છે. માઇનોર બ્રિજ બને તો આકોના પોથલીપુરા ગામ જોડાય અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવી જાય. સરકાર તત્કાલ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે.
માઈનોર બ્રિજ બને તો ગ્રામજનોને હાલાકીમાંથી મુક્તિ મળે અમારા ગામની વસ્તી ૨૦૦૦થી વધુ છે. અશ્ર્વિન નદી પર માઇનોર બ્રિજ ન હોવાનેકારણે લોકોને ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને સ્મશાન વિધિ માટે નદીમાંથી પસારથવું પડે છે. એમાંય જીવનું જોખમ છે.
પાણી વધે તો ૧૫ કિમી ફરીને જવું પડે છે.સરકાર અને તંત્રને અમારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે અહીં માઇનોર બ્રિજબનાવવામાં આવે જેથી ગ્રામજનોને આ હાલાકીમાંથી મુક્તિ મળે.:- મહેશ ભીલ,સરપંચ પતિ, ગ્રામ પંચાયત, આકોના…