દાહોદમાં એક બી.એલ.ઓ.ની દૈનિક સરેરાશ 6થી 9 કિ.મી.ની પદયાત્રા

ભારતીય લોકશાહીના પાયાને મજબૂત બનાવવાની કામગીરીમાં જોડાયેલા દાહોદ જિલ્લાના બૂથ લેવલ ઓફિસરની અથાક મહેનત હવે આધુનિક ટેક્નોલોજીના માપદંડો પર રેકોર્ડ થઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારના બીએલઓની દૈનિક ’પદયાત્રા’ના આંકડાઓ સામે આવ્યા છે. ફોર્મ વિતરણ અને પરત લઇ મતદાર નોંધણી માટે તેઓ દિવસ દરમિયાન 6થી 9 કિમી પગપાળા પ્રવાસ કરી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કાચા રસ્તાઓ, ખેતરો અને દૂર-દૂર વસેલા મકાનો વચ્ચે ફરજ બજાવતા કેટલાક બીએલઓ હવે તેમની દૈનિક કામગીરીનો ડેટા રેકોર્ડ કરી રહ્યા છે. આ માટે તેઓ તેમના હાથમાં સ્માર્ટ વોચ અથવા મોબાઈલમાં સ્ટેપ કાઉન્ટર એપ્લિકેશન ચાલુ રાખે છે. આ ટેક્નોલોજી દ્વારા મળેલા આંકડાઓ દર્શાવે છે કે આખા જિલ્લામાં એક બીએલઓ સરેરાશ દરરોજ 8000 થી13000 કરતાં વધુ સ્ટેપ્સ ચાલે છે.

આ આંકડો સ્પષ્ટ કરે છે કે ગ્રામ્ય મતદારોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવા માટે બીએલઓ દિવસ દરમિયાન 6 થી 9 કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપે છે. બીએલઓની આ દૈનિક પદયાત્રા માત્ર એક સરકારી કામગીરી નથી પરંતુ લોકશાહીના પાયાને મજબૂત કરવાની નિષ્ઠાનું પ્રતીક છે. આ જહેમત પાછળના મુખ્ય કારણોમાં શહેરોની જેમ અહીં કોમ્પેક્ટ સોસાયટીઓ હોતી નથી. મકાનો દૂર-દૂર છે. જેને કારણે દરેક મતદાર સુધી પહોંચવા માટે લાંબું અંતર કાપવું પડે છે.કોઈ પણ પાત્ર મતદાર નોંધણીથી વંચિત ન રહી જાય તે માટે દરેક ઘર સુધી રૂબરૂ જવું આવશ્યક છે.મતદારના ફોર્મની ખરાઈ, જરૂરી દસ્તાવેજો એકઠા કરવા અને ભૂલો સુધારવા માટે વ્યક્તિગત મુલાકાત જરૂરી બને છે. બીએલઓ દ્વારા કરવામાં આવતી આ ”પદયાત્રા” એ વાતની સાબિતી આપે છે કે, ભારતીય ચૂંટણી પ્રણાલીમાં હજુ પણ મેન્યુઅલ અને રૂબરૂ ચકાસણીનું મહત્ત્વ કેટલું છે અને તળિયાના સ્તરના કર્મચારીઓ માનસિક ભારણ તેમજ અનેક આપદાઓ લોકશાહીના હિતમાં કેવો પરસેવો પાડી રહ્યા છે.ટેક્નોલોજી ઉત્સાહવર્ધક પરિબળ સ્માર્ટ વોચ કે સ્પીડો મીટરનો ઉપયોગ કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે નથી પરંતુ તે તેમના સ્વ-પ્રેરણાનું એક સાધન છે. જ્યારે હું દિવસના અંતે મારા સ્ટેપ્સ અને કિલોમીટરનો આંકડો જોઉ છુ ત્યારે મને સંતોષ મળે છે કે તેમણે કેટલી મહેનત કરી છે. મારી માટે ટેક્નોલોજી ઉત્સાહવર્ધક પરિબળ બની રહી છે. મારા જેવા ઘણા મિત્રો સ્માર્ટ વોચ કે મોબાઇલમાં સ્પીડો મીટરનો ઉપયોગ કરે છે.- સુરજીત ઢાકિયા,બીએલઓ, ઝરીબુઝર્ગ