
શહેરના માણેજા અને જાંબુઆ વિસ્તારમાં આવેલા સરકારી આવાસોની હાલતને લઈને રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ આવાસો હવે રહેવા લાયક રહ્યા નથી અને અહીં રહેતા પરિવારો રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માહિતી અનુસાર, વર્ષો પહેલાં અન્ય સ્થળેથી સ્થળાંતર કરાયેલા પરિવારોને વચગાળાની વ્યવસ્થા તરીકે આ આવાસોમાં રહેવા માટે રાખવામાં આવ્યા હતા. રહેવાસીઓનો દાવો છે કે કાયમી આવાસ આપવાનું આશ્વાસન મળ્યું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ તેઓ હજુ આ જ મકાનોમાં રહેવા મજબૂર છે.
સ્થાનિકોના આક્ષેપ મુજબ, મકાનોની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે, જ્યારે અનેક સ્થળોએ છતનું પ્લાસ્ટર ખસી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. ચોમાસામાં મકાનના ભાગો ધરાશાયી થવાની ભીતિ વચ્ચે પરિવારો સતત ભયના માહોલમાં જીવન પસાર કરી રહ્યા છે.
આવાસ પરિસરમાં ગંદકી, ઉભરાતી ડ્રેનેજ અને કચરાના યોગ્ય નિકાલના અભાવને કારણે દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિના કારણે ખાસ કરીને નાના બાળકોમાં ચામડીના રોગ અને અન્ય ચેપજન્ય તકલીફો વધી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કુલ ૩૫૦ આવાસોમાંથી આશરે ૧૫૦ પરિવારો અસુરક્ષિત સ્થિતિ અને ખરાબ સુવિધાઓને કારણે અન્ય સ્થળે રહેવા જતાં રહ્યા છે. જ્યારે બાકીના પરિવારો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ હજુ પણ જાખમી મકાનોમાં રહેવા મજબૂર છે.
રહેવાસીઓએ વીયુડીએ અને વડોદરા મહાનગરપાલિકા સામે સમસ્યાના નિરાકરણમાં બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક મકાનોનું સમારકામ અથવા સુરક્ષિત વૈકલ્પીક આવાસ ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે. હાલ સંબંધિત તંત્ર તરફથી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જાવામાં આવી રહી છે.