ઝાલોદ પોલીસના સઘન રાત્રિ પેટ્રોલિંગ વચ્ચે ઝાલોદ નગરની સાંઈધામ સોસાયટીમાં ત્રાટકેલા તસ્કરોએ એક જ રાતમાં ત્રણેક મકાનોના તાળા તોડી એક મોટરસાયકલ સહિત લાખોની મત્તાનો હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ નગરની સાંઈધામ સોસાયટીમાં રહેતા સ્મિતાબેન કલ્પેશભાઈ ડબગર તા.૧૦ ના રોજ સાંજે પોતાના ધરે તાળુ મારી પરિવારજનો સાથે બહારગામ ગયા હતા. તે તકનો લાભ લઈ તસ્કરોએ સ્મિતાબેન ડબગર, શૈલેષભાઈ ચિમનભાઈ પરમાર તેમજ ચેતનભાઈ કાળિયાભાઈ કટારા એમ ત્રણેય બંધ ધરોને નિશાન બનાવ્યા હતા. જેમાં સ્મિતાબેનના બંધ મકાનના દરવાજાનુ તાળુ તોડી તસ્કરોએ ધરની તિજોરીમાં મુકી રાખેલા કપડા તેમજ અન્ય ચીજવસ્તુઓ વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ .૧,૪૩,૨૦૦/-ની મત્તાનો હાથફેરો કર્યા બાદ શૈલેષભાઈ અને ચેતનભાઈના ધરે પણ હાથફેરો કરી ગયા હતા.ચેતનભાઈના ધરેથી કેટલી મત્તા ચોરી ગયા છે તે અંગે હાલ જાણી શકાયુ નથી. હાલ આ બાબતે ઝાલોદ સાંઈધામ સોસાયટીમાં રહેતા સ્મિતાબેને ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.