નાજીયા ઇલાહીના કથિત નિવેદનો મામલે તપાસ અને કાર્યવાહી કરવાની માંગ

ઝાલોદના મુસ્લિમ સમાજે ગૃહ વિભાગને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસની કરી વિનંતી.

ઝાલોદ તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો અને નાગરિકોએ નાજીયા ઇલાહી દ્વારા સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોમાં પયગંબર હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) અંગે કથિત રીતે અપમાનજનક અને ધાર્મિક લાગણી દુભાવતા નિવેદનો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રાજ્ય સરકાર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સંદર્ભે ગુજરાત સરકારના ગૃહ વિભાગના અપર મુખ્ય સચિવને સંબોધી તેમજ પ્રાંત અધિકારી, ઝાલોદ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા પર પ્રચલિત વીડિયો, પોસ્ટ અને અન્ય સામગ્રીના આધારે નાજીયા ઇલાહી સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. જો તપાસ દરમિયાન આ બાબતો સાચી સાબિત થાય, તો તે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનાર હોવાનું તેમજ સામાજીક શાંતિ, સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર પહોંચાડી શકે તેમ હોવાનું રજૂ કરવામાં આવ્યું છે.

મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ સરકાર સમક્ષ સમગ્ર મામલે નિષ્પક્ષ અને કાયદેસર તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ તપાસમાં જો કોઈ કાયદાનો ભંગ થયો હોવાનું સામે આવે, તો સંબંધિત વ્યક્તિ વિ‚દ્ધ ભારતીય કાયદાની લાગુ પડતી જોગવાઈઓ હેઠળ યોગ્ય અને કડક કાયદેસરની કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવા વિનંતી કરવામાં આવી છે.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, તેમની માંગ માત્ર કાયદાના દાયરામાં રહીને નિષ્પક્ષ તપાસ અને કાયદા મુજબ કાર્યવાહી કરવાની છે, જેથી સામાજીક સૌહાર્દ અને શાંતિ જળવાઈ રહે.