
૩૧ ડિસેમ્બરને લઈને ભાવનગર શહેર અને જિલ્લામાં દારૂની હેરાફેરી થવાની આશંકા વચ્ચે પોલીસ વિભાગ સતર્ક છે. સિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે દારૂનો જથ્થો વલ્લભીપુર હાઈવે પરથી ઝડપી લીધો છે. નવો કીમિયો અપનાવીને ટ્રક મારફત દારૂ ઘૂસાડવાની આરોપીની પેરવી સામે પોલીસે પણ સતર્કતા દાખવી હતી. પોલીસ દ્વારા દારૂ સાથે ટ્રક ચાલક તેમજ અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાની સિહોર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગુરુવારે પેટ્રોલીંગમાં હતો. ત્યારે પોલીસ ટીમને બાતમી મળી હતી કે ભાવનગરથી વલ્લભીપુર હાઈવે રોડ પરથી નેસડા ગામ પાસે એક ટ્રક પસાર થવાનો છે. આ ટ્રકમાં ચોરખાનું છે અને દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમી પગલે નેસડા ગામ બસ સ્ટેશનમાં વોચમાં રહેતા સિહોર પોલીસને બાતમીવાળી ટ્રક મળી આવી હતી. તપાસ કરતા ટ્રકમાંથી દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો.
સિહોર પોલીસે નેસડા બસ સ્ટેશનમાં હિન્દીમાં મહાદેવ ટ્રાન્સપોર્ટ લખેલું અને કાળા કલરની તાડપત્રી વાળા ટાટા ટ્રકને ઉભો રાખ્યો હતો. ચાલકનું નામ પૂછતા તે રાજસ્થાન રાજ્યના બાગુડા તાલુકાના જાલોર જિલ્લાના વાડાનયા ગામના રહેવાસી દિનેશકુમાર રુગનાથરામ ખીલેરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટ્રકના પાછળના ભાગે તપાસ કરતા બારદાન એટલે કોથળાનો જથ્થો જોવા મળ્યો હતો. ત્યારબાદ પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા ચોરખાનું હોવાનું ખુલવા પામ્યું હતું.
ટ્રકચાલક દિનેશકુમાર રુગનાથરામ ખીલેરીની પૂછપરછ દરમિયાન ટ્રકમાં નીચેના ભાગે ચોરખાનું હોવાનું ખુલવા પામતા પોલીસે તેની તપાસ કરી હતી. તેમાંથી દારૂની બોટલ અને બીયર ટીન મળીને ૧૧,૬૭૬ બોટલ મળી આવી હતી. કુલ ૪૬,૬૬,૫૬૦ કિંમતનો દારૂ પોલીસે જપ્ત કર્યો હતો. પોલીસે કુલ રૂ. ૫૬,૭૮,૬૦ કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈને ટ્રકચાલક અને દારૂ મોકલનાર સુરેશરામ ભાખરારામ જાટ બાડમેરના રહેવાસી તેમજ દારૂનો જથ્થો મગાવનાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.