દાહોદમાં ૯૦૮ કર્મીઓના ૩.૮૪ કરોડની અલ્ટ્રા મોર્ડન એજન્સી દ્વારા ઉચાપત

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગના પી.એચ.સી.અને સી.એચ.સી.માં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓના પરસેવાની કમાણી પર એજન્સીએ મોટી ધાડ મારી હોવાનો સનસનીખેજ મામલો ગરમાયો છે. ‘લીવ ઓન કેશ’ ના કરોડો ‚પિયા ઓહિંયા કરી જનાર એજન્સી સામે તંત્રની સાંઠગાંઠના આક્ષેપો સાથે આક્રોશિત કર્મચારીઓએ હવે આરપારની લડાઈનુ રણશિંગુ ફુંકયુ છે.

જિલ્લામાં આરોગ્ય સેવાઓ આપતા કુલ ૯૦૮ જેટલા ગરીબ આઉટસોર્સિંગ કર્મચારીઓના ‘લીવ ઓન કેશ’ ના નાણાં ન ચુકવીને અલ્ટ્રા મોર્ડન એજન્સી દ્વારા નવેમ્બર-૨૦૨૩ થી આશરે ‚.૩ કરોડ ૮૪ લાખથી વધુની માતબર રકમની નાણાંકિય ઉચાપત કરી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. વારંવારની રજુઆતો છતાં તંત્ર ન જાગતા આખરે કર્મચારીઓ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત ખાતે ઉમટ્યા હતા. અને હલ્લાબોલ સાથે આવેદન આપ્યુ હતુ. એકજુથ કર્મીઓએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ૧૦ દિવસનુ અલ્ટિમેટમ આપ્યુ છે કે, જો ૩૧ મહિનાના બાકી નાણાંની ચુકવણી નહિ થાય તો તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંતે ભારતીયે આક્ષેપ કર્યો હતો કે, ન્યાય અપાવવાને બદલે અધિકારીઓ કર્મીઓને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી રહ્યા છે. આટલી મોટી ઉચાપત છતાં એજન્સી વિરુદ્ધ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી.