નાંદોદ ભાજપમાં વિખવાદ ગરમાયો, ધારાસભ્યની નારાજગી બાદ ગાંધીનગરમાં હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ

ગુજરાત ભાજપમાં આંતરિક અસંતોષ અને સંગઠનાત્મક મતભેદોને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ બની છે. નર્મદા જિલ્લાના રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા નાંદોદ વિધાનસભા વિસ્તારમાં ઊભા થયેલા વિવાદે રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક સ્તરે ઊભી થયેલી નારાજગી

અને સંગઠન વચ્ચેના મતભેદોને ધ્યાનમાં રાખીને પાર્ટી હાઈકમાન્ડે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, નાંદોદના ધારાસભ્ય ડા. દર્શના દેશમુખ અને જિલ્લા સંગઠન સાથે જાડાયેલા મુદ્દાઓને લઈને ઉભા થયેલા વિવાદને ઉકેલવા માટે ગાંધીનગરમાં ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિવાદ સાથે સંકળાયેલા મુખ્ય આગેવાનોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. બેઠક દરમિયાન તમામ પક્ષોની રજૂઆતો, દલીલો અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠક બાદ સમગ્ર મામલે એક આંતરિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને સોંપવામાં આવ્યો હોવાનું કહેવાય છે. આ અહેવાલના આધારે આગામી દિવસોમાં સંગઠન દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવી શકે છે.

બીજી તરફ, દક્ષિણ ઝોનના મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલી બેઠક દક્ષિણ ઝોનના સંગઠનાત્મક મુદ્દાઓને લઈને સામાન્ય મુલાકાત હતી. તેમણે એવો પણ દાવો કર્યો કે ચર્ચામાં વિવાદ સાથે જોડાયેલા બંને મુખ્ય નેતાઓ હાજર નહોતા.

આ સમગ્ર ઘટનાક્રમ અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ભાજપ એક સંકલિત અને સંગઠિત પરિવાર તરીકે કાર્ય કરે છે. સ્થાનિક સ્તરે કોઈ પ્રશ્ન કે મતભેદ ઉભા થાય તો પાર્ટી તેને ગંભીરતાથી લઈને યોગ્ય રીતે ઉકેલવાનો પ્રયાસ કરે છે.

હાલ સમગ્ર મામલે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આગામી દિવસોમાં ભાજપ સંગઠન દ્વારા લેવામાં આવનારા નિર્ણયો પર સૌની નજર રહેશે, કારણ કે નાંદોદનો આ વિવાદ હવે રાજ્યસ્તરની રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે.